રવિવાર, 13 ઑગસ્ટ, 2023

આખો પવિત્ર મહિનો ભક્તિ કરી હોય કે ના કરી હોય શ્રી પુરુષોત્તમ 108 જાપ માળા જાપવાથી આખા મહિનાનું અધિક ફળ મળશે | Purushottam 108 Manka Lyrics In Gujarati | Okhaharan

આખો પવિત્ર મહિનો ભક્તિ કરી હોય કે ના કરી હોય શ્રી પુરુષોત્તમ 108 જાપ માળા જાપવાથી આખા મહિનાનું અધિક ફળ મળશે | Purushottam 108 Manka Lyrics In Gujarati | Okhaharan 


purushottam-108-manka-lyrics-in-gujarati
purushottam-108-manka-lyrics-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આ પુરૂષોતમ માસમાં ભગવાન શ્રી પુરૂષોતમ 108 જપમાળા મણકા ગુજરાતી લખાણ સાથે નિત્ય પાઠ કરવાથી ધમૅ અથૅ કામ મોક્ષની પ્રાપ્તિ થાય. 


શ્રી પુરૂષોતમ 108 નામ માળ 

૧.નામ પુરુષોત્તમ અતિ ઉત્તમ કે પુરુષોત્તમ શરણે લો

૨.ભવ ભયહારી ભાંગે ભરમ કે પુરુષોત્તમ શરણે લો.

૩.અધમ ઉધારણ છે આ નામ કે પુરુષોત્તમ શરણે લો.

૪.એમાં સમાયા ચારેય ધામ હે પુરુષોત્તમ શરણે લો.

૫.લખ ચોરાશીના ફેરા ટળે હે પુરુષોત્તમ શરણે લો.

૬.વૈકુંઠમાં તો વાસો મળે હે પુરુષોત્તમ શરણે લો.

૭.શું બિરદાવું પ્રભુનું રૂપ હે પુરુષોત્તમ શરણે લો. 

૮.પુરુષોત્તમ છે પૂર્ણ સ્વરૂપ હે પુરુષોત્તમ શરણે લો.

૯.મસ્તક પર તો મુગટ ધર્યા હે પુરુષોત્તમ શરણે લો.

૧૦.ચંદ્ર સૂરજનાં તેજ ભર્યાં હે પુરુષોત્તમ શરણે લો.


૧૧.કંઠે શોભે હેમના હાર હે પુરુષોત્તમ શરણે લો.

૧૨.દાસના માટે દયાના દ્વાર હે પુરુષોત્તમ શરણે લો.

૧૩.મહેકે મોંઘા પુષ્પના હાર હે પુરુષોત્તમ શરણે લો.

૧૪.ભવ સાગરમાં ઉતારે પાર કે પુરુષોત્તમ શરણે લો.

૧૫.બાજુ બંધ બે શોભે બાંય હે પુરુષોત્તમ શરણે લો.

૧૬.આધિ વ્યાધિ ઉપાધિ જાય હે પુરુષોત્તમ શરણે લો.

૧૭.કનક કડા પેર્યા કરમાંય  હે પુરુષોત્તમ શરણે લો.

૧૮.ધાર્યું તો બસ ધણીનું થાય  હે પુરુષોત્તમ શરણે લો.

૧૯.સુંદર શોભે મોતીયન માળ  હે પુરુષોત્તમ શરણે લો.

૨૦.ભક્તિ છે ભવપૂરની પાળ હે પુરુષોત્તમ શરણે લો. 

૨૧.હરિવર હેતે પકડો હાથ હે પુરુષોત્તમ શરણે લો.




૨૨.ચૌદે બ્રહ્માંડનો તું છે નાથ હે પુરુષોત્તમ શરણે લો.

૨૩. સઘળે વ્યાપ્યું તારું તેજ હે પુરુષોત્તમ શરણે લો.

૨૪.ક્ષીર સાગરને શેષની સેજ હે પુરુષોત્તમ શરણે લો.

૨૫.ગોકુળમાં રહ્યા રાધા સાથ હે પુરુષોત્તમ શરણે લો.

૨૬.કરુણાધારી કરો કૃતાર્થ  હે પુરુષોત્તમ શરણે લો.

૨૭.જપતા જાપ જતિ ને સતિ હે પુરુષોત્તમ શરણે લો. 

૨૮.ગોલોકના છો અધિ રે પતિ  હે પુરુષોત્તમ શરણે લો.

 ૨૯.બંસી મધુરી અધર ધરી હે પુરુષોત્તમ શરણે લો.

૩૦.તોળી ગોવર્ધન કરુણા કરી  હે પુરુષોત્તમ શરણે લો.

૩૧.પરમ પાવન પ્રભુનો પ્રકાશ હે પુરુષોત્તમ શરણે લો.

૩૨. રાધા ના શ્યામ  હે પુરુષોત્તમ શરણે લો.

૩૩.પ્રેમે ઉગાર્યો તે મળ માસ હે પુરુષોત્તમ શરણે લો.

૩૪.ઘેલા થાય છે તન ને મન હે પુરુષોત્તમ શરણે લો. 

૩૫.વૃંદાવનમાં વેણુ નો નાદ હે પુરુષોત્તમ શરણે લો. 

૩૬.પ્રેમથી લે જે તારો પ્રસાદ હે પુરુષોત્તમ શરણે લો.

૩૭.૫મે મોં માંગ્યા વરદાન હે પુરુષોત્તમ શરણે લો.

૩૮.તારા હાથમાં જેનું સુકાન હે પુરુષોત્તમ શરણે લો.

૩૯.મુગ્ધ કર્યા તે ગોપી ગોપ હે પુરુષોત્તમ શરણે લો.

૪૦.પાપ-મહાપાપનો થાયે લોપ હે પુરુષોત્તમ શરણે લો.


૪૧.કંઠે ધાર્યો કૌસ્તુભમણિ હે પુરુષોત્તમ શરણે લો. 

૪૨.લાજ રાખજો ભક્તો તણી હે પુરુષોત્તમ શરણે લો.

૪૩.કનક કુંડળ ઝળકે કાન હે પુરુષોત્તમ શરણે લો.

૪૪.તુજથી તારું નામ મહાન હે પુરુષોત્તમ શરણે લો.

૪૫.હતો મળ માસ સાવ અનાથ હે પુરુષોત્તમ શરણે લો.

૪૬.હરિએ ઝાલ્યો હેતે હાથ હે પુરુષોત્તમ શરણે લો.

૪૭.આવ્યો મળમાસ વૈકુંઠ લોક હે પુરુષોત્તમ શરણે લો. 

૪૮.પ્રભુચરણ પડી મૂકી પોક હે પુરુષોત્તમ શરણે લો.

 ૪૯.ધિક્કારે મને જગના જીવ હે પુરુષોત્તમ શરણે લો.

૫૦.પામું છું હું દુઃખ અતીવ હે પુરુષોત્તમ શરણે લો.

૫૧.નિંદે ને વળી ક૨ે હડધૂત હે પુરુષોત્તમ શરણે લો.

૫૨.અધિષ્ઠાતા વગરનો સૂત હે પુરુષોત્તમ શરણે લો.

પ૩.જીવન મારું હળાહળ ઝેર હે પુર્ષોત્તમ શણે લો. 

૫૪.મોહન માધવ કરશે ને મહેર હે પુરુષોત્તમ શણે લો.

૫૫.આંખે છલકે અશ્રુ અપાર હે પુરુષોત્તમ શણે લો.

૫૬.દેવાધિદેવ કો ઉદ્ધાર હે પુરુષોત્તમ શરણે લો.

૫૭. આવ્યો છું હું આપ શરણ હે પુરુષોત્તમ શણે લો.




૫૮.કો કરુણા કરુણાક૨ હે પુરુષોત્તમ શરણે લો. 

૫૯.પ્રભુએ આપ્યું પોતાનું નામ હે પુરુષોત્તમ શરણે લો.

૬૦.પ્રેમે દીધું પાવન ધામ હે પુરુષોત્તમ શરણે લો.

૬૧.નામ સહિત દીધા છે ગુણ હે પુરુષોત્તમ શરણે લો.

૬૨.નષ્ટ થયા સઘળા અવગુણ હે પુરુષોત્તમ શરણે લો. 

૬૩.બાર માસમાં અતિ ઉત્તમ હે પુરુષોત્તમ શરણે લો.

૬૪.નામ મળ્યું છે પુરુષોત્તમ હે પુરુષોત્તમ શરણે લો.

૬૫.કીર્તિવંત ને પવિતર થાય હે પુરુષોત્તમ શરણે લો.

૬૬.બાર માસમાં શ્રેષ્ઠ ગણાય હે પુરુષોત્તમ શરણે લો.

૬૭.જેનું નહિ કોઈ જગમાંચ હે પુરુષોત્તમ શરણે લો.

૬૮.પુરુષોત્તમ એની ઝાલે બાંય હે પુરુષોત્તમ શરણે લો.

૬૯.આ માસમાં જે જપ તપ કરે હે પુરુષોત્તમ શરણે લો.

૭૦.અવશ્ય એ ભવસાગર તરે હે પુરુષોત્તમ શરણે લો.

૭૧.કરે વ્રત ને કથા સાંભળે હે પુરુષોત્તમ શરણે લો.

૭૨,ધન સંપત્તિ ને મુક્તિ મળે હે પુરુષોત્તમ શરણે લો.



૭૩.ધન તીર્થન ને મુક્તિ મળે હે પુરુષોત્તમ શરણે લો.

૭૪.પળમાં સર્વે પાપ ક્ષય થાય હે પુરુષોત્તમ શરણે લો.

૭પ.પરમ પાવન ને સાવ સરળ હે પુરુષોત્તમ શરણે લો.

૭૬.સહસ્ર ગણુ આપે છે ફળ હે પુરુષોત્તમ શરણે લો.

૭૭.પૂજા કરે ને રટતાં નામ હે પુરુષોત્તમ શરણે લો.

૭૮.પામે યોગીએ દુર્લભ ધામ હે પુરુષોત્તમ શરણે લો.

૭૯.ભાંગે ભીડ સુધારે કાજ હે પુરુષોત્તમ શરણે લો.

૮૦.પુરુષોત્તમ રાજાના રાજ હે પુરુષોત્તમ શરણે લો.

૮૧.સાંભળીને તમે ગજ પોકાર હે પુરુષોત્તમ શરણે લો.

૮૨.થયા ગરુડે તુર્ત સવાર  હે પુરુષોત્તમ શરણે લો.

૮૩.મ્પેર કરો સહુ પર મહારાજ  હે પુરુષોત્તમ શરણે લો.

૮૪.જાતી રાખો ભક્તની લાજ  હે પુરુષોત્તમ શરણે લો.

૮૫.પાંચાળીના પૂર્યા ચીર  હે પુરુષોત્તમ શરણે લો.

૮૬.લાજ નજાવા દીધી લગીર  હે પુરુષોત્તમ શરણે લો.

૮૭.પાંડવ વહારે વારંવાર હે પુરુષોત્તમ શરણે લો.

૮૮.કર્યો કૌરવ કુળ સંહાર  હે પુરુષોત્તમ શરણે લો.

૮૯.ભાજી જમ્યા વિદૂર ઘેર  હે પુરુષોત્તમ શરણે લો.

૯૦.ગાયું ગીતાજ્ઞાન સુપે હે પુરુષોત્તમ શરણે લો.

૯૧.સદાય રહ્યા નરસિંહની સાથ  હે પુરુષોત્તમ શરણે લો.

૯૨.દીધો કેદારો હાથો હાથ  હે પુરુષોત્તમ શરણે લો.

૯૩.કરે હિરણાકંસ કુડ કપટ  હે પુરુષોત્તમ શરણે લો.

૯૪.સ્તંભ ફાડીને થયા પ્રગટ  હે પુરુષોત્તમ શરણે લો.

૯૫.ન્હોર વધારી સિંહ સ્વરૂપ હે પુરુષોત્તમ શરણે લો.

૯૬.માર્કો હિરણાકંસ જ ભૂપ હે પુરુષોત્તમ શરણે લો.


૯૭.કીધી સુધન્વાને તુર્ત જ સહાય  હે પુરુષોત્તમ શરણે લો.

૯૮.તાતા તે તો શીતળ થાય  હે પુરુષોત્તમ શરણે લો.

૯૯. પીધાં મીરાંબાઈનાં ઝેર હે પુરુષોત્તમ શરણે લો. 

૧૦૦.શબરી બાઈનાં એંઠાં બોર  હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૧.સદાય લે ભક્તોની સંભાળ  હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૨.બળતા રાખ્યા માંજારી બાળ  હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૩સંકટ હરણ ક૨ે તારું નામ  હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૪.એમાંના કાંઈ બેસે દામ  હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૫.હિંમત આપી પૂરે હામ   હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૬.નામ વગર સઘળું નાકામ  હે પુરુષોત્તમ શરણે લો.

૧૦૭.‘રસિક નિર્મલ’ કહે કર જોડી  હે પુરુષોત્તમ શરણે લો.



૧૦૮.પુરુષોત્તમપ્રભુ આવો દોડી  હે પુરુષોત્તમ શરણે લો.

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ઓગણત્રીસમો | Purushottam Maas Katha Adhyay 29 in Gujarati | Adhyay 29 | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ઓગણત્રીસમો |  Purushottam Maas Katha Adhyay 29 in Gujarati  | Adhyay 29 | Adhik Mass 2023 | Okhaharan |  

purushottam-maas-katha-adhyay-29-in-gujarati
purushottam-maas-katha-adhyay-29-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય ઓગણત્રીસમો સંધ્યાકાળના નિયમો અને અમૃત ધારા જે વાતૉ કહેવાય અણમાનીતી રાણીની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અઠ્યાવીસમો 


અધ્યાય ઓગણત્રીસમો સંધ્યાકાળના નિયમો 


પુરૂષોત્તમ માસનો આવો મહિમા જોઈ દેવો પણ નવાઈ પામ્યા. નારદે પૂછ્યું : “હે નારાયણ ! આપે સવારે પૂજા કરવાની વિધિ બતાવી, હવે દિવસના પાછલા ભાગમાં વ્યક્તિએ શું કરવું તે કહો.”


શ્રી નારાયણ બોલ્યા : “સવારેધ્યાન-પૂજા કર્યા પછી મધ્યાહને શું કાર્યો કરવા તે જણાવું છું. આ માસમાં મધ્યાહને પંચમહાયજ્ઞો કરવા. અન્નનું બલિદાન મૂકવું. અતિથિને જમાડવો. ગાય, કાગડાઅને કૂતરાને અન્નદાન આપવું.  ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી, પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું. ભોજન કરતાં પહેલાં ‘સત્યં ત્વર્નેપ પરિપિત્થિમિ’ એ મંત્રનો ઉચ્ચાર કરી પાત્રની ચોતરફ હાથથી પાણીની ધારા કરીને ત્રણ ઢગલી ચોખાની મૂકવી અથવા જે ભોજન થાળીમાં હોય તેમાંથી થોડું થોડું મૂકવું. ભોજન કરતી વખતે કોઈ નિંદા ન કરવી, મન પ્રસન્ન રાખવું અને આસ્સન ઉપર બેસવું. યોગીએ આઠ કોળિયા, વાનપ્રસ્થે સોળ કોળિયા, ગૃહસ્થાશ્રમીએ બત્રીસ કોળિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન કરવું. બ્રાહ્મણ,ક્ષત્રિય તથા વૈશ્યે શાસ્ત્ર વિરુદ્ધ આહાર લેવો નહીં.


વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં. જમ્યા પછી કોગળા કરવા, જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણી અંજલિ મૂકવી. અગસ્ત્ય મુનિને યાદ કરવા. શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવું.


સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું. ઘેર અવી ફરી હાથ-પગ ધોઈ સાયં-સંધ્યા કરવી જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે છે તેનું બ્રહ્મતેજ વધે છે ને જે સંધ્યા નથી કરતો તે ગૌવધનું પાપ વહોરે છે અને નરકમાં પડે છે. સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવો. ગાયત્રી જપ કરે છે તે ચૌદલોકમાં પુજાય છે. દશે દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા. સંધ્યા-કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું. શયન કરતી વખતે પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખવું અને યાત્રા કે પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું. ઉત્તર દિશાએ મોં રાખીને કે ગાદલાં, ઓશીકા વિના સૂવું નહીં. સૂતી વેળા વિષ્ણુ ભગવાન અને પંચઋષિઓનું ધ્યાન ધરવું.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં, બાકીના બે પ્રહર જ સૂવું, માંસ અને દારૂનો ત્યાગ કરવો. પરસ્ત્રીનો સ્પર્શ ટાળવો અને મર્યાદામાં રહેવું. પોતાના આપ્તજનો પ્રત્યે સમાન ભાવ રાખવો. બીજા ધર્મની નિંદા ન કરવી. આબધા નિયમોનું પાલન કરનાર વ્યક્તિ સંસારમાં સુખ ભોગવી વૈકુંઠલોકને પામે છે.”


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“સંધ્યાકાળના નિયમો” નામનો ઓગણત્રીસમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


અણમાનીતી રાણીની વાર્તા


ચિત્રસેન રાજાને બે રાણી. એક માનીતી અને બીજી અણમાનીતી. માનીતી રાણી એશ કરે અને અણમાનીતી ઠેબાં ખાય. રાજા અણમાનીતીને કદી બોલાવે પણ નહી. દાસી રોજ ભોજન આપી જાય અને અણમાનીતી એ ખાઈને પેટ ભરે. માનીતી રૂપરૂપનો અંબાર. જાણે કાચની પૂતળી ! પણ અદેખી અને અભિમાની. જ્યારે અણમાનીતીનો દેખાવ સામાન્ય, પણ દયાળું અને સર્વ ગુણોનો ભંડાર ! એમાં વળી માનીતીને પુત્ર જન્મ્યો. પછી તો ધરતીથી વેંત ઊંચી ચાલવા લાગી.


એમ કરતાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. અણમાનીતીએ વ્રત લીધું. રોજ વહેલી સવારે નદીએ નહાવા જાય. કથા-વાર્તા સાંભળે, બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપે, એકટાણું કરે, પ્રભુસ્મરણ કરે અને ભજન ગાય. આ જોઈને માનીતીના પેટમાં તેલ રેડાય. એણે વ્રત તોડાવવા માટે વધ્યું-ઘટ્યું એંઠું ભોજન મોકલવા માંડ્યું, પણ અણમાનીતી સમજી ગઈ કે માનીતી વ્રત તોડાવવા માંગે છે, આથી તેણે એકટાણાં છોડીને નકોરડા ઉપવાસ શરૂ કરી દીધા. આથી ઝેરીલા સ્વભાવની માનીતી રાણી છંછેડાઈ અને રાજાના કાન ભંભેર્યા કે તમને મારી નાખવા માટે આ ચુડેલ આવા વ્રત કરે છે. તમે મરો તો એના પિયરિયાને રાજ મળે.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે


માનીતીની આંખે જ જોતા રાજાએ વાત સાચી માની લીધી અને તેણે રોષે ભરાઈને અણમાનીતીને કાઢી મૂકી. બિચારી અણમાનીતી તો રડતી કકળતી ચાલી નીકળી. લથડીયા ખાતી જાય અને આગળ વધતી જાય. રસ્તામાં એક તરસી ગાય મળી. રાણીથી જોયું ના ગયું. તરત જ તેણે કૂવેથી પાણી લાવી ગાયને પાયું અને આગળ વધી. આગળ જતાં જીર્ણ શિવાલય આવ્યું. રાણીએ ત્યાં વાળીચોળીને ચોખ્ખુચણાક કરી નાખ્યું. જળ લઈને શિવને ચઢાવ્યું. બિલિપત્ર લાવી શિવની પૂજા કરી, પછી આગળ વધી. આગળ જતાં બે નાગ એકબીજાના પ્રાણના તરસ્યાથયા હોય તેમ ઝનૂનથી લડતા હતા. રાણીએ બંનેને સમજાવીને શાંત કર્યા.


 થોડી વાર થાક ખાઈ આગળ વધી. અન્નજળ લીધા વગર સાત દિવસ સુધી ચાલતી રહી. ભૂખના લીધે આંખે અંધારા આવતા હતા. પગ લથડતા હતા, તોય હિંમતથી ચાલતી રહી. આઠમા દિવસે એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડી.


ઋષિ દયાળુ હતા. રાણીને શીતળ જળ છાંટી ભાનમાં લાવ્યા પછી બોલ્યા : “હે બહેન ! તું કોણ છે ? અને તારી આવી હાલત કેમ થઈ ?”  રાણીએ અશ્રુભીના સ્વરે બધી વિગત જણાવી. તેની વાત સાંભળી ઋષિને દયા આવી અને બોલ્યા : “હે દેવી ! તેં પૂર્ણ શ્રદ્ધાભાવે પુરૂષોત્તમ પ્રભુને સેવ્યા છે તેથી તારો જન્મ સાર્થક થઈ ગયો. પ્રભુ પુરૂષોત્તમ તારા ઉપર ઘણા જ પ્રસન્ન થયા છે અને એમની કૃપાથી આ ક્ષણથી જ તારા સમસ્ત દુ:ખોનો અંત આવે છે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે તારી કાયા કંચનવરણી થશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે, જે તારી કીર્તિ વધારશે અને અંતકાળે તું વૈકુંઠ પામીશ.”


રાણી પાછી ફરી. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. રાણીને બહેન કહીને બોલાવી અને ધનનાં સાત ગાડાં આપ્યાં.


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


આગળ જતાં શિવાલય આવ્યું. રાણીએ શિવજીની પૂજા કરી જળ ચઢાવ્યું. તરત જ શિવજીએ પ્રગટ થઈ સ્વહસ્તે પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતાં જ રાણીની કાયા કંચનવરણી થઈ ગઈ. જાણે ચંદ્ર સૂર્યના તેજ મળ્યાં હોય એવું દેવતાઈ રૂપ થઈ ગયું.


આગળ જતાં ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતાં કહ્યું : “રાણી ! તેં મારી તરસ છિપાવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માંગ્યાં મિષ્ટાન્ન મળશે.”


રાણી ચાલતી ચાલતી પોતાના નગર પાસે આવી. નગરના દરવાજે ગાયોનો ગોવાળ મળ્યો. રાણીનું સુંદર સ્વરૂપ જોઈ તે આભો બની ગયો અને દોડતો રાજમહેલે ગયો અને રાજા-રાણીને સમાચાર આપ્યાં કે રાણીજી આવ્યા છે. સાક્ષાત દેવી મા જેવું રૂપ છે. રાજા-રાણી આ સાંભળી અચરજ પામ્યા અને દોડતા નગરના દરવાજે ગયા તો રાણીનુંતેજ જોઈ આભા બની ગયા. 

રાણી સાથે કરેલા વહેવારથી અપરાધભાવ અનુભવી અને પશ્ચાતાપ કરવા લાગ્યા. રાજા-રાણીએ અણમાનીતીની માફી માંગી. પુરૂષોત્તમ પ્રભુએ રાજા-રાણીનું હૃદય પલટાવી નાખ્યું. રાણીનાં વાજતે ગાજતે સામૈયા થયાં.
સમય જતાં રાણીએ પુત્રને જન્મ આપ્યો.જીવનભર સુખ ભોગવીને રાણી અંતકાળે સદેહે સ્વર્ગે ગઈ.

કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય


હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા, એવા સહુને ફળજો.

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અઠ્યાવીસમો | Purushottam Maas Katha Adhyay 28 in Gujarati | Adhyay 28 | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અઠ્યાવીસમો |  Purushottam Maas Katha Adhyay 28 in Gujarati  | Adhyay 28 | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-28-in-gujarati
purushottam-maas-katha-adhyay-28-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય અઠ્યાવીસમો બ્રાહ્મણને દિવ્ય શરીરની પ્રાપ્તિ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ઉત્તમ દાનની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય સત્તાવીસમો 


અધ્યાય અઠ્યાવીસમો બ્રાહ્મણને દિવ્ય શરીરની પ્રાપ્તિ 


એ લોભી બ્રાહ્મણ પહેલાં તો લાંબા કાળ સુધી પ્રેત યોનિમાં ભટકતો રહ્યો અને ફળની ચોરીના લીધે બીજા જન્મમાં કાલાંજર પર્વતમાં દેવોને પણ દુર્લભ એક કુંડ ‘મૃગતીર્થ’માં તે વાનર રૂપે જન્મ્યો.


નારદે પૂછ્યું : “હે તપોધન ! તે બ્રાહ્મણે અસંખ્ય કરોડો પાપ કર્યા હતાં છતાં ત્રણે લોકને પાવન કરનાર એ મૃગતીર્થમાં તે ક્યા પુણ્યના બળે જન્મ પામ્યો ? આપ તે મને જણાવો.”


ત્યારે શ્રી નારાયણ બોલ્યા : ‘ચિત્રકુંડલ’ નામે એક મોટો વૈશ્ય હતો. તેની પત્નીનું નામ ‘તારકા’ હતું. તે પતિવ્રતા ધર્મ પાળતી હતી. તે દંપતિએ પુરૂષોત્તમ માસનું વ્રત કર્યું હતું અને તેના ઉદ્યાપન વખતે તેમણે બ્રાહ્મણોને પત્નીઓ સહિત ઘણી દક્ષિણા આપી સંતુષ્ટ કર્યા હતા. આ કદરીને પણ તેમણે નિમંત્રણ આપેલું.


દક્ષિણા મળવાથી પ્રસન્ન થયેલા બ્રાહ્મણો પોતપોતાને ઘેર ગયા. પણ આ લોભી કદરી ચિત્રકુંડલને કહેવા લાગ્યો : “હે વૈશ્યરાજ ! તેં બીજા બ્રાહ્મણોને પુષ્કળ ધન આપ્યું છે તો મને તું વધારે કેમ આપતો નથી ?” એટલે ચિત્રકુંડલે તેને પણ ધન આપ્યું. એ વખતે પૂજાદર્શનના માહાત્મ્યથી તથા ધનના લોભથી પણ પુરૂષોત્તમ માસની ઉત્તમ સ્તુતિ કરવાથી તેના પુણ્યબળે તે મૃગતીર્થમાં વાંદરાનો જન્મ પામ્યો હતો.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


શ્રી રામચંદ્રજીએ મહાસાગર પર પુલ બાંધી દુષ્ટ રાવણને માર્યો હતો ત્યારે મદદ કરનાર વાનરોનો આભાર માનતાં આશીર્વાદ આપ્યા હતા. “હે હનુમંત ! હે સુગ્રીવ ! તમે સર્વ વાનરો સાથે મોટું મિત્રકાર્ય કર્યું છે. હવે જેને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય. એ જે વનમાં હશે ત્યાં તેમને પુષ્કળ ફળ-ફૂલ મળી રહેશે, મધુરાં જળવાળી નદીઓ અને સરોવરો હશે અને આ વાનરોનું કોઈ અપમાન કરી શકશે નહી, માટે તેઓ બધા મારી આજ્ઞાથી હવે જાઓ.”


આ કદરી બ્રાહ્મણ પણ જે જગ્યાએ વાંદરા રૂપે જન્મ્યો ત્યાંઘણાં ફળફૂલ હતાં. પણ તેનાં પાપકર્મોના લીધે તેને જન્મથી મોંઢામાં ચાંદા હતા એટલે તે કાંઈ ખાઈ-પી શકતો નહી અને વેદનાથી પીડાતો હતો. એક વખત ભૂખથી અશક્ત બનેલો તે ઝાડ પર ચઢવા જતાં જમીન પર પછડાઈ પડ્યો. તેના બધા દાંત પડી ગયા અને વ્રણના રોગથી તે પીડાતો તે ત્યાં પડી રહ્યો. એમ પૂર્વજન્મમાં કરેલાં પાપથી તે દુ:ખી દુ:ખી થઈ ગયો હતો અને ખાધા-પીધા વગર તરફડતો કુંડ પાસે પડી રહ્યો. એ વખતે પુરૂષોત્તમ માસ ચાલતો હતો. આ રીતે પાંચ દિવસ સુધી તે તરફડતો રહ્યો. 

આ રીતે અજાણ્યે પણ નિરાહાર રહેવાથી તેનાથી પુરૂષોત્તમ મહિનો થઈ ગયો અને તે આ અવસ્થામાં મરણ પામ્યો. તીર્થના જળથી અને ઉપવાસથી તેનાં સર્વ પાપો ધોવાઈ ગયાં. એટલે ભગવાને પ્રસન્ન થઈ તેને દિવ્ય શરીર આપ્યુંઅને પ્રભુ વિષ્ણુના ગણો તેને વિમાન લઈ લેવા આવ્યા.”


આ બધું જોઈ એ વાંદરો ઘણું આશ્ચર્ય પામ્યો અને વિચારવા લાગ્યો : “મારા જેવા મહાપાપી અને દુષ્ટ બુદ્ધિવાળાને આવું દિવ્ય શરીર ક્યા કારણે પ્રાપ્ત થયું ? મારું એવું કોઈ પુણ્ય નથી કે હું શ્રીહરિનું પદ પામું ‍“
પુણ્યશીલ અને સુશીલ નામના બે વિષ્ણુદૂતોએ કહ્યું : “હે પ્રભો ! ગોલોકમાં પધારો ! તમે શ્રી પુરૂષોત્તમ માસ કરીને પ્રભુને પ્રસન્ન કરી તેમના લોકને પામ્યા છો.”


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે


કદરી બોલ્યો : “હે દૂતો ! હું મહાલોભી, પાપી અને ધર્મ વિરુદ્ધ આચરણ કરવાવાળો, વરસાદની જેટલી ધારાઓ છે અને આકાશમાં જેટલા તારા છે તેટલાં મારાં પાપ કર્મો છે. છતાં મેં આ દિવ્ય શરીર કેવી રીતે પ્રાપ્ત કર્યું ? એનું શ્રેષ્ઠ કારણ તમે મને કહો.”


વિષ્ણુ દૂતો બોલ્યા : “તમને મુખનો રોગ હતો તેથી અનાહારનું વ્રત થઈ ગયું છે. તેમજ વ્રણના કારણે તમે પાણીનો ત્યાગ કર્યો. આ રીતે અમુક કારણોથી અજાણતાં કે કપટથી પણ તમારાથી પુરૂષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે તેથી તમને ઘણું જ પુણ્ય મળ્યું છે.”


દૂતોની વાત સાંભળી કદરી બ્રાહ્મણ ઘણો જ આનંદ પામ્યો અને પછી કાલાંજર પર્વતને, વનના અશિપતિ સર્વ વનસ્પતિ, વેલા તથા વૃક્ષોને નમસ્કાર કરી વિમાનમાં બેઠો.


પુરૂષોત્તમ માસનું સેવન કરવાથી એ કદરી બ્રાહ્મણ, જ્યાં ગયા પછી પ્રાણીઓને કોઈ જાતનો શોક લાગતો નથી અને જે ઘડપણ તથા મરણ રહિત છે, એવા ગોલોકમાં ગયો.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“બ્રાહ્મણને દિવ્ય શરીરની પ્રાપ્તિ” નામનો અઠ્યાવીસમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ઉત્તમ દાનની વાર્તા


સૂર્યનગરમાં રાજા સૂર્યસેનનું રાજ. રાજા-રાણી બંને ઘણાં દયાળું અને પ્રજાવત્સલ તથા ધર્મધ્યાન કરનારા. પ્રભુકૃપાથી પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો અને ગાદીનો વારસ જન્મ્યો. રાજા-રાણીના હરખનો પાર ન રહ્યો. કુંવર લાડકોડથી મોટો થવા લાગ્યો. એમ કરતાં કુંવર સોળ વર્ષનો થયો. સોળમાં વર્ષે કુંવર માંદો પડ્યો. એવો માંદો પડ્યો કે ખાવાપીવાનું છોડી દીધું. રાજાએ દેશ-પરદેશથી વૈદ તેડાવ્યા. હકીમ તેડાવ્યા, પીર-ફકીર તેડાવ્યા, પણ કુંવર સાજો થતો નથી. મોતના ભણકારા સંભળાવા લાગ્યા. રાજા-રાણીની આંખમાંથી આંસુ સુકાતા નથી.


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


એક દિવસની વાત છે. રાજા કુંવરની પથારી પાસે બેઠો છે. ઉજાગરા અને થાકના કારણે એને ઝોકું આવી ગયું. ઊંઘમાં જ એને ગેબી અવાજ સંભળાયો : “હે રાજા ! તારા સદભાગ્યે આ પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલે છે. જો કોઈએ આ મહિનામાં ઉત્તમ દાન કર્યું હોય અને એ વ્યક્તિ તારા કુંવરને એ ઉત્તમમાં ઉત્તમ દાનનું ફળ આપે તો એ દાનના પ્રભાવે જ એ સાજો થાય. બીજી કોઈ દવા કામ આવવાની નથી.”


તત્કાળ રાજાની આંખ ખૂલી ગઈ. રાજાએ રાણીને વાત કરી. તરત પ્રધાનને બોલાવી ઢંઢેરો પીટાવ્યો અને દસ હજાર સોનામહોરનું ઈનામ જાહેર કર્યું.
નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા. ઘણા દાનવીર હતા એ બધા મહેલે આવવા લગ્યા અને પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા, પણ કુંવર આંખો ખોલતો નથી. રાજા-રાણી નિરાશ થઈ ગયાં. ઉત્તમ દાન કહેવું કોને ?


બે દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. હવે ઘડી બે ઘડીનો મહેમાન હોય તેમ લાગતું હતું. ત્યાં ત્રીજા દિવસે એક ચીંથરેહાલ ઘાંચી આવ્યો. ઘણા દિવસોથી પેટ ભરીને ખાવા ન મળ્યું હોય એવો એનો દુર્બળ દેહ હતો. વસ્ત્રો ચીંથરા જેવા હતાં. જ્યારે એ બોલ્યો કે હું મારા દાનનું ફળ આપવા આયો છું ત્યારે રાજાને હસવું આવી ગયું, પણ રાણીએ એમને ઈશારાથી શાંત કર્યા.


ઘાંચીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું : “હે પુરૂષોત્તમ નાથ ! આ માસમાં મેં જે દાન કર્યું છે એ જો તમને ઉત્તમોત્તમ લાગતું હોય તો હું એનું ફળ કુંવરને આપું છું. સાજો કરવો ન કરવો તમારી ઈચ્છા.”


અંજલિ છાંટતા  જ કુંવરે આંખો ખોલીને પાણી માંગ્યું. પછી પાણી પીને પથારીમાંથી ઊભો થયો.ઘાંચીને અને મા-બાપને પગે લાગ્યો. ત્યારે રાજા-રાણીની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યાં. બંને ઘાંચીના પગમાં પડી ગયાં.
રાજાએ ઘાંચીને બીજા દિવસે દરબારમાં બોલાવી ઈનામ આપ્યું. પછી જિજ્ઞાસાવશ એણે કરેલા ઉત્તમ દાન વિશે પૂછ્યું ત્યારે ઘાંચી બોલ્યો : “નામદાર! હું એક ગરીબ ઘાંચી છું. ઘાણી ચલાવી, તેલ કાઢી, વેચી ગુજરાન ચલાવું છું. સંતાનમાં પાંચ દીકરા અને પાંચ દીકરી છે. પેટે પાટા બાંધીઅને માંડ ગુજારો કરીએ છીએ. મેં અને મારી પત્નીએ આજીવન પુરૂષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ લીધો છે. અન્નદાન કે વસ્ત્રદાન કરવા માટે આમારી પાસે કાંઈ નથી. તેથી આ વખતે અમે બળદને આરામ આપ્યો અને બળદને બદલે ઘાણીએ અમે જુત્યાં. એક ઘડી મારી પત્ની જૂતે, એક ઘડી હું જૂતું. રોજ બે તાંબિયાનું વધારે કામ કરીએ. એક તાંબિયાનું દાન હું કરું, એકનું મારી પત્ની કરે. હે સ્વામી ! વ્રત કહો તો વ્રત અને દાન કહો તો દાન અમે આટલું કર્યું છે.”


ઘાંચી આગળ કશું બોલે એ પહેલાં આકાશવાણી સંભળાઈ : “હે ભક્ત તેં જે દાન કર્યું છે એ ઉત્તમમાં ઉત્તમ દાન છે.”


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય


બધા ઘાંચીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. રાજાએ એને લાખ સોનામહોરો આપી. ઘાંચી ઘાંચણ મૃત્યુલોક પર સર્વ સુખ ભોગવી અંતકાળે સદેહે વૈકુંઠ ગયા.


હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! જે અંત:કરણના શુદ્ધ ભાવે પરસેવાની કમાણીના પાઈ પૈસાનું દાન કરે, તમારું વ્રત કરે, આખો મહિનો ન્હાય અને કથાવાર્તા સાંભળે તેના પર તમે પ્રસન્ન થજો અને એનું કલ્યાણ કરજો.

પુરુષોત્તમ માસ કથા અધ્યાય સત્તાવીસમો | Purushottam Maas Katha Adhyay 27 in Gujarati | Adhyay 27 | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય સત્તાવીસમો |  Purushottam Maas Katha Adhyay 27 in Gujarati  | Adhyay 27 | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-27-in-gujarati
purushottam-maas-katha-adhyay-27-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય સત્તાવીસમો મહાલોભી કદરી બ્રાહ્મણ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ઉપવાસનું ફળ નામની વાર્તા. 


પુરુષોત્તમ માસ કથા અધ્યાય છવ્વીસમો 


અધ્યાય સત્તાવીસમો મહાલોભી કદરી બ્રાહ્મણ 


શ્રી નારાયણ બોલ્યા : “મુનિશ્વર વાલ્મીકિની પાસેથી પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય જાણ્યા પછી રાજા દ્રઢધન્વાએ તેમને નમન કર્યું. વાલ્મીકિએ આશીર્વાદ આપ્યા. અને એ પછી તેણે વિદાય લીધી. ઘેર આવીને તેણે પોતાની સુંદર પત્ની ગુણસુંદરીને આ પ્રમાણે કહ્યું.


દ્રઢધન્વા બોલ્યો : “હે સુંદરી ! આ અસાર સંસારમાં માણસોને કોઈ જાતનું સુખ નથી. માટે આ નાશવંત શરીર વડે અવિનાશી મોક્ષપદ પ્રાપ્ત કરી લેવા હું વનમાં જવા ધારું છું. ત્યાં હું પુરૂષોત્તમ ભગવાનનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યા કરીશ.”


તે સાંભળી તેની પતિવ્રતા પત્ની ગુણસુંદરી વિનયથી નમ્ર થઈને હાથ જોડી શોક સાથે કહેવા લાગી.


“હે રાજા ! હું પણ તમારી સાથે જ આવીશ. અમાપ સુખ આપનારો તો એક જ પતિ હોય છે અને નારી પતિના પડછાયારૂપ હોય છે. પતિના પગલે ચાલવું એ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે, તો પછી કઈ સ્ત્રી પોતાના પતિ પાછળ ન જાય ?”


પત્નીની વાત સ્વીકારી લઈ રાજાએ પુત્રનો રાજ્યાભિષેક કરી, બધી જવાબદારી તેને સોંપી, ચિંતાઓથી નિવૃત થઈ, પછી પત્ની સાથે વનમાં જતો રહ્યો. વ્રત કરવામાં સ્થિર રહી રાજા તપનો ભંડાર બની ગયો. તેની પતિવ્રતા રાણી પણ તેની સેવા કરવામાં જ તત્પર રહેતી હતી. એમ વ્રત કરતાં પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો. તેની પતિવ્રતા પત્ની પણ પુરૂષોત્તમ માસમાં તપ કરતાં પોતાના પતિની સારી રીતે સેવા કરીને ગોલોકમાં ગઈ.
શ્રી નારાયણ બોલ્યા : “હે નારદ ! હું આ પુરૂષોત્તમ માસના મહિમાનું શું વર્ણન કરું ? જેણે અજાણતાં પણ (માત્ર સ્નાન કરનાર) દુષ્ટ વાંદરાને પણ  શ્રીહરિ પાસે પહોંચાડ્યો હતો. પુરૂષોત્તમ માઅનું સેવન કરે છે તેઓ કૃતાર્થ થાય છે અને તેઓનો જન્મ સફળ થાય છે.”


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


આથી નારદજીએ જીજ્ઞાસાથી પૂછ્યું : “હે પ્રભુ ! વેદમાં મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થનું સાધન કહેવાય છે, તો એ મૂંગા અજ્ઞાની વાંદરાએ કઈ રીતે વ્રત કર્યું ? એ વાંદરો કોણ હતો ? શું આહાર કરતો હતો ? ક્યાં જન્મ્યો હતો ? ક્યાં રહેતો હતો ? શ્રી પુરૂષોત્તમ માસમાં અજાણતાં પણ તેણે ક્યું પુણ્ય કર્યું હતું ? તે મને વિસ્તારથી કહો. હું કથામૃત સાંભળી રહ્યો છું પણ મને તૃપ્તિ થતી નથી.”


મહાલોભી બ્રાહ્મણની કથા


           શ્રી નારાયણ બોલ્યા : “કેરલ દેશમાં કદરી નામનો એક ઘણો જ લોભી અને દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ ચિત્રશર્મા હતું. પણ બધા તેને કદરી કહીને બોલાવતા. દેવ પ્રીતિ માટે કે પિતૃ તૃપ્તિ માટે તેણે કદી કોઈ સારાં કર્મ કર્યા નહોતા. બ્રાહ્મણ હોવા છતાં કદી હોમ-હવન-જપ-તપ કર્યા નહોતાં. કાર્તિક માસમાં દીવાનું દાન તથા બ્રાહ્મણ ભોજન કર્યું ન હતું. માઘ મહિનામાં તલનું દાન તેણે કદી કર્યું ન હતું. એ સઘળાં દાનો સૂર્યની સંક્રાંતિ સમયે પણ તેણે કદી કર્યાં ન હતાં. ધન ભેગું કરી તે જમીનમાં દાટી દેતો અને લોકો આગળ ભિક્ષામાંગી પોતાનો નિર્વાહ કરતો હતો. તેના આવા સ્વભાવથી નગરના સર્વ લોકો તેનો તિરસ્કાર કરતા હતા અને તેનું અપમાન કરી કાઢી મૂકતા. નગરનીબહાર એક બગીચામાં માળીનું કામ કરતો એક ભીલ તેનો મિત્ર હતો. 

એક વાર તેની પાસ્સે જઈ રડતાં રડતાં તેણે પોતાનું દુ:ખ જણાવ્યું : “હે મિત્ર ! નગરવાસીઓ મારો હંમેશા તિરસ્સ્કાર કરે છે. તેથી ત્યાં શહેરમાં હું રહી શકું તેમ નથી !”


એ કંજૂસ બ્રાહ્મણની આવી અતિ દીનવાણી સાંભળી પેલો માળી (ભીલ) દયાથી પીગળી ગયો. અને તેણે તે બ્રાહ્મણને વાડીનો વહીવટ સોંપી દીધો અને આ પોતાનો જ માણસ છે એમ સમજી વાડીની સઘળી ચિંતા છોડી દઈ રાજાને ઘેર જ રહેવા લાગ્યો.


રાજાને ઘેર પણ એ માળીને હંમેશા ઘણું જ કામ રહેતું. જે વખતે પેલો માળી પૂછતો તે વેળા તેની આગળ તે બ્રાહ્મણ જૂઠ્ઠું બોલતો. “હું તો નગરમાં ભ્રમણ કરી ભિક્ષા માંગી ખાધા કરું છું અને બગીચાની સંભાળ રાખ્યા કરું છું.” આ સાંભળી ભીલ વિશ્વાસ રાખી ચાલ્યો જતો.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે


તે દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ વાડીમાંથી ફળોની ચોરી કરીને ખાતો અને બાકીનાં ફળો વેચી મારતો.આરીતે તે ચોરી કરતો અને વિશ્વાસઘાતપણું કરતો હતો અને તે જ સ્થિતિમાં તેના સત્યાશી વર્ષ વીતી ગયાં. અને તે મરણ પામ્યો. ત્યારે તેના આત્માને પસ્તાવો થયો : “મેં દુષ્ટ બુદ્ધિવાળાએ જીવનપર્યંત જીવને દુ:ખ દીધા કર્યું અને જઠરના અગ્નિને શાંત ન કર્યો. કોઈ પર્વના દિવસે પણ મેં સારા વસ્ત્રોથી પોતાનું શરીર ન ઢાંક્યું.

 અરે, એક વાર પણ મેં જાતને મિષ્ટાન્નથી કદી તૃપ્ત કરી નહી. દાન-પુણ્ય કર્યા નહી. ધિક્કાર છે મારી ભ્રષ્ટ બુદ્ધિને… મારો મહામૂલો મનખા અવતાર સાવ એળે ગયો.”


એમ તે પસ્તાતો વિલાપ કરી રહ્યો હતો ત્યારે યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા અને બોલ્યા : ”હે પ્રભો આ બ્રાહ્મણ દુષ્ટ છે. તેણે વાડીના રક્ષકનો વિશ્વાસઘાત કર્યો છે અને ફળો ચોરીને ખાધા છે. ચોરી અને વિશ્વાસઘાત બંને પાપ આનામાં અતિ ઉગ્ર છે. તેમજ બીજાં પણ ઘણી જાતનાં પાપો આનામાં રહ્યાં છે. આ માણસે આખી જિંદગી ઘોર પાપકર્મો જ કર્યા છે.”
આ સાંભળી યમરાજ ક્રોધથી બોલ્યા : “તેણે જે વિશ્વાસઘાત અને અપકૃત્યો કર્યાં ચે તેનું ફળ તો તેને ભોગવવાનું રહે છે. એને એક હજાર વર્ષ સુધી વાંદરાની યોનિમાં નાખો અને તે સર્વ પ્રકારે રોગીષ્ટ બનાવો.”


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“મહાલોભી કદરી બ્રાહ્મણ” નામનો સત્તાવીસમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


અકળ લીલાની વાર્તા


વેદવતી નગરમાં પુષ્પસેન રાજાનું રાજ ! રાણીનું નામ પુષ્પાવતી. રાજા-રાણી બંને ઘણા ધર્મિષ્ઠ અને દયાળુ. પ્રભુકૃપાથી પાછલી ઉંમરે બે કુંવર જન્મ્યા. રાજા રાણી સુખે પ્રભુને ભજવા લાગ્યા. કુંવર આઠ વર્ષના થયા ત્યારે એકાએક માંદા પડ્યા, એવા માંદા પડ્યા કે ન હલે ન ચલે. ન બોલે ન આંખો ખોલે. સારા સારા વૈદોએ ઈલાજ કર્યો, પણ કુંવર સાજા થતા નથી. રાજા રાણી રડી રડીને દિવસો વીતાવે છે. આખા નગરમાં શોક છવાઈ ગયો.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


એક વાર માર્કન્ડમુનિ મહેલે પધાર્યા. રાજાએ ખૂબ સેવા કરી. પછી કુંવરોની માંદગી વિશે જણાવી કોઈ ઉપાય હોય તો જણાવવા કહ્યું. મુનિએ બંને કુંવરોનું કપાળ જોઈને કહ્યું કે “ હે રાજન ! જે સ્ત્રીએ પૂર્ણ શ્રદ્ધાથી પવિત્ર પુરૂષોત્તમ વ્રત કર્યું હોય, આખો મહિનો ઉપવાસ કર્યા હોય, ગંગાસ્નાન અને ગૌસેવા કરી હોય, જીવનભર પતિવ્રતા ધર્મ પાળ્યો હોય એવી સ્ત્રી જો ગંગાજળની એક અંજલિ કુંવરો પર છાંટે તો તત્કાળ આ કુંવરો સાજા થાય. પ્રભુની લીલા અકળ છે. પુરૂષોત્તમ પ્રભુની કૃપા થાય તો બારણે આવેલો કાળ પાછો ફરે.”


રાજાએ તો તરત નગરમાં ઢંઢેરો પિટાવ્યો. સવા લાખ સોનામહોરનું ઈનામ જાહેર કર્યું. ઈનામની લાલચે ઘણી સ્ત્રીઓ આવી. અંજલિઓ છાંટી પણ કુંવર ઊભા ન થયા. આ ઢંઢેરો નગરમાં લાકડા વેચવા આવેલી એક ગરીબ ભીલડીએ સાંભળ્યો.તે પૂર્ણ પતિવ્રતા હતી. તે આજીવન પુરૂષોત્તમ વ્રત કરતી હતી. નિત્ય પ્રભુનું ધ્યાન-પૂજા કરતી. કાયમ વ્રત-ઉપવાસ-એકટાણાં કરતી. તરત એ મહેલે દોડી આવી. માથેથી લાકડાનો ભારો પણ ન ઉતાર્યો.
પહેરગીરને કેટલાય કાલાવાલાં કર્યા ત્યારે માંડ અંદર જવા દીધી.

 એના દેદાર જોઈને રાજાને વિશ્વાસ તો ન આવ્યો, પણ ડૂબતાને તણખલાનો સહારો, એમ માની હા પાડી. ભીલડીએ જમણા હાથમાં ગંગાજળ લઈ સંકલ્પ કર્યો. પ્રભુ પુરૂષોત્તમને પ્રાર્થના કરી અને ગંગાજળ છાંટતાં જ બંને કુંવરો આળસ મરડીને ઊભા થયા અને ભીલડીના પગમાં પડી ગયા.


રાજા રાણી ગળગળા થઈ ગયા. પછી ભીલડીને સવા લાખ સોનામહોરો આપી. ભીલડીએ એ બધું ધન દાનમાં આપી દીધું. વાત નગરમાં ફેલાતાં જ સૌને પુરૂષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. સૌએ આ પવિત્ર વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ભીલડીએ જીવનભર વ્રત કર્યું અને અંતકાળે કુટુંબસહિત સદેહે ગોલોકમાં ગઈ.


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય


હે પુરૂષોત્તમ રાય ! તમે જેવા ભીલડીને ફળ્યા એવા સૌને ફળજો.