રવિવાર, 13 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અઠ્યાવીસમો | Purushottam Maas Katha Adhyay 28 in Gujarati | Adhyay 28 | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અઠ્યાવીસમો |  Purushottam Maas Katha Adhyay 28 in Gujarati  | Adhyay 28 | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-28-in-gujarati
purushottam-maas-katha-adhyay-28-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય અઠ્યાવીસમો બ્રાહ્મણને દિવ્ય શરીરની પ્રાપ્તિ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ઉત્તમ દાનની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય સત્તાવીસમો 


અધ્યાય અઠ્યાવીસમો બ્રાહ્મણને દિવ્ય શરીરની પ્રાપ્તિ 


એ લોભી બ્રાહ્મણ પહેલાં તો લાંબા કાળ સુધી પ્રેત યોનિમાં ભટકતો રહ્યો અને ફળની ચોરીના લીધે બીજા જન્મમાં કાલાંજર પર્વતમાં દેવોને પણ દુર્લભ એક કુંડ ‘મૃગતીર્થ’માં તે વાનર રૂપે જન્મ્યો.


નારદે પૂછ્યું : “હે તપોધન ! તે બ્રાહ્મણે અસંખ્ય કરોડો પાપ કર્યા હતાં છતાં ત્રણે લોકને પાવન કરનાર એ મૃગતીર્થમાં તે ક્યા પુણ્યના બળે જન્મ પામ્યો ? આપ તે મને જણાવો.”


ત્યારે શ્રી નારાયણ બોલ્યા : ‘ચિત્રકુંડલ’ નામે એક મોટો વૈશ્ય હતો. તેની પત્નીનું નામ ‘તારકા’ હતું. તે પતિવ્રતા ધર્મ પાળતી હતી. તે દંપતિએ પુરૂષોત્તમ માસનું વ્રત કર્યું હતું અને તેના ઉદ્યાપન વખતે તેમણે બ્રાહ્મણોને પત્નીઓ સહિત ઘણી દક્ષિણા આપી સંતુષ્ટ કર્યા હતા. આ કદરીને પણ તેમણે નિમંત્રણ આપેલું.


દક્ષિણા મળવાથી પ્રસન્ન થયેલા બ્રાહ્મણો પોતપોતાને ઘેર ગયા. પણ આ લોભી કદરી ચિત્રકુંડલને કહેવા લાગ્યો : “હે વૈશ્યરાજ ! તેં બીજા બ્રાહ્મણોને પુષ્કળ ધન આપ્યું છે તો મને તું વધારે કેમ આપતો નથી ?” એટલે ચિત્રકુંડલે તેને પણ ધન આપ્યું. એ વખતે પૂજાદર્શનના માહાત્મ્યથી તથા ધનના લોભથી પણ પુરૂષોત્તમ માસની ઉત્તમ સ્તુતિ કરવાથી તેના પુણ્યબળે તે મૃગતીર્થમાં વાંદરાનો જન્મ પામ્યો હતો.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


શ્રી રામચંદ્રજીએ મહાસાગર પર પુલ બાંધી દુષ્ટ રાવણને માર્યો હતો ત્યારે મદદ કરનાર વાનરોનો આભાર માનતાં આશીર્વાદ આપ્યા હતા. “હે હનુમંત ! હે સુગ્રીવ ! તમે સર્વ વાનરો સાથે મોટું મિત્રકાર્ય કર્યું છે. હવે જેને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય. એ જે વનમાં હશે ત્યાં તેમને પુષ્કળ ફળ-ફૂલ મળી રહેશે, મધુરાં જળવાળી નદીઓ અને સરોવરો હશે અને આ વાનરોનું કોઈ અપમાન કરી શકશે નહી, માટે તેઓ બધા મારી આજ્ઞાથી હવે જાઓ.”


આ કદરી બ્રાહ્મણ પણ જે જગ્યાએ વાંદરા રૂપે જન્મ્યો ત્યાંઘણાં ફળફૂલ હતાં. પણ તેનાં પાપકર્મોના લીધે તેને જન્મથી મોંઢામાં ચાંદા હતા એટલે તે કાંઈ ખાઈ-પી શકતો નહી અને વેદનાથી પીડાતો હતો. એક વખત ભૂખથી અશક્ત બનેલો તે ઝાડ પર ચઢવા જતાં જમીન પર પછડાઈ પડ્યો. તેના બધા દાંત પડી ગયા અને વ્રણના રોગથી તે પીડાતો તે ત્યાં પડી રહ્યો. એમ પૂર્વજન્મમાં કરેલાં પાપથી તે દુ:ખી દુ:ખી થઈ ગયો હતો અને ખાધા-પીધા વગર તરફડતો કુંડ પાસે પડી રહ્યો. એ વખતે પુરૂષોત્તમ માસ ચાલતો હતો. આ રીતે પાંચ દિવસ સુધી તે તરફડતો રહ્યો. 

આ રીતે અજાણ્યે પણ નિરાહાર રહેવાથી તેનાથી પુરૂષોત્તમ મહિનો થઈ ગયો અને તે આ અવસ્થામાં મરણ પામ્યો. તીર્થના જળથી અને ઉપવાસથી તેનાં સર્વ પાપો ધોવાઈ ગયાં. એટલે ભગવાને પ્રસન્ન થઈ તેને દિવ્ય શરીર આપ્યુંઅને પ્રભુ વિષ્ણુના ગણો તેને વિમાન લઈ લેવા આવ્યા.”


આ બધું જોઈ એ વાંદરો ઘણું આશ્ચર્ય પામ્યો અને વિચારવા લાગ્યો : “મારા જેવા મહાપાપી અને દુષ્ટ બુદ્ધિવાળાને આવું દિવ્ય શરીર ક્યા કારણે પ્રાપ્ત થયું ? મારું એવું કોઈ પુણ્ય નથી કે હું શ્રીહરિનું પદ પામું ‍“
પુણ્યશીલ અને સુશીલ નામના બે વિષ્ણુદૂતોએ કહ્યું : “હે પ્રભો ! ગોલોકમાં પધારો ! તમે શ્રી પુરૂષોત્તમ માસ કરીને પ્રભુને પ્રસન્ન કરી તેમના લોકને પામ્યા છો.”


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે


કદરી બોલ્યો : “હે દૂતો ! હું મહાલોભી, પાપી અને ધર્મ વિરુદ્ધ આચરણ કરવાવાળો, વરસાદની જેટલી ધારાઓ છે અને આકાશમાં જેટલા તારા છે તેટલાં મારાં પાપ કર્મો છે. છતાં મેં આ દિવ્ય શરીર કેવી રીતે પ્રાપ્ત કર્યું ? એનું શ્રેષ્ઠ કારણ તમે મને કહો.”


વિષ્ણુ દૂતો બોલ્યા : “તમને મુખનો રોગ હતો તેથી અનાહારનું વ્રત થઈ ગયું છે. તેમજ વ્રણના કારણે તમે પાણીનો ત્યાગ કર્યો. આ રીતે અમુક કારણોથી અજાણતાં કે કપટથી પણ તમારાથી પુરૂષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે તેથી તમને ઘણું જ પુણ્ય મળ્યું છે.”


દૂતોની વાત સાંભળી કદરી બ્રાહ્મણ ઘણો જ આનંદ પામ્યો અને પછી કાલાંજર પર્વતને, વનના અશિપતિ સર્વ વનસ્પતિ, વેલા તથા વૃક્ષોને નમસ્કાર કરી વિમાનમાં બેઠો.


પુરૂષોત્તમ માસનું સેવન કરવાથી એ કદરી બ્રાહ્મણ, જ્યાં ગયા પછી પ્રાણીઓને કોઈ જાતનો શોક લાગતો નથી અને જે ઘડપણ તથા મરણ રહિત છે, એવા ગોલોકમાં ગયો.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“બ્રાહ્મણને દિવ્ય શરીરની પ્રાપ્તિ” નામનો અઠ્યાવીસમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ઉત્તમ દાનની વાર્તા


સૂર્યનગરમાં રાજા સૂર્યસેનનું રાજ. રાજા-રાણી બંને ઘણાં દયાળું અને પ્રજાવત્સલ તથા ધર્મધ્યાન કરનારા. પ્રભુકૃપાથી પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો અને ગાદીનો વારસ જન્મ્યો. રાજા-રાણીના હરખનો પાર ન રહ્યો. કુંવર લાડકોડથી મોટો થવા લાગ્યો. એમ કરતાં કુંવર સોળ વર્ષનો થયો. સોળમાં વર્ષે કુંવર માંદો પડ્યો. એવો માંદો પડ્યો કે ખાવાપીવાનું છોડી દીધું. રાજાએ દેશ-પરદેશથી વૈદ તેડાવ્યા. હકીમ તેડાવ્યા, પીર-ફકીર તેડાવ્યા, પણ કુંવર સાજો થતો નથી. મોતના ભણકારા સંભળાવા લાગ્યા. રાજા-રાણીની આંખમાંથી આંસુ સુકાતા નથી.


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


એક દિવસની વાત છે. રાજા કુંવરની પથારી પાસે બેઠો છે. ઉજાગરા અને થાકના કારણે એને ઝોકું આવી ગયું. ઊંઘમાં જ એને ગેબી અવાજ સંભળાયો : “હે રાજા ! તારા સદભાગ્યે આ પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલે છે. જો કોઈએ આ મહિનામાં ઉત્તમ દાન કર્યું હોય અને એ વ્યક્તિ તારા કુંવરને એ ઉત્તમમાં ઉત્તમ દાનનું ફળ આપે તો એ દાનના પ્રભાવે જ એ સાજો થાય. બીજી કોઈ દવા કામ આવવાની નથી.”


તત્કાળ રાજાની આંખ ખૂલી ગઈ. રાજાએ રાણીને વાત કરી. તરત પ્રધાનને બોલાવી ઢંઢેરો પીટાવ્યો અને દસ હજાર સોનામહોરનું ઈનામ જાહેર કર્યું.
નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા. ઘણા દાનવીર હતા એ બધા મહેલે આવવા લગ્યા અને પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા, પણ કુંવર આંખો ખોલતો નથી. રાજા-રાણી નિરાશ થઈ ગયાં. ઉત્તમ દાન કહેવું કોને ?


બે દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. હવે ઘડી બે ઘડીનો મહેમાન હોય તેમ લાગતું હતું. ત્યાં ત્રીજા દિવસે એક ચીંથરેહાલ ઘાંચી આવ્યો. ઘણા દિવસોથી પેટ ભરીને ખાવા ન મળ્યું હોય એવો એનો દુર્બળ દેહ હતો. વસ્ત્રો ચીંથરા જેવા હતાં. જ્યારે એ બોલ્યો કે હું મારા દાનનું ફળ આપવા આયો છું ત્યારે રાજાને હસવું આવી ગયું, પણ રાણીએ એમને ઈશારાથી શાંત કર્યા.


ઘાંચીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું : “હે પુરૂષોત્તમ નાથ ! આ માસમાં મેં જે દાન કર્યું છે એ જો તમને ઉત્તમોત્તમ લાગતું હોય તો હું એનું ફળ કુંવરને આપું છું. સાજો કરવો ન કરવો તમારી ઈચ્છા.”


અંજલિ છાંટતા  જ કુંવરે આંખો ખોલીને પાણી માંગ્યું. પછી પાણી પીને પથારીમાંથી ઊભો થયો.ઘાંચીને અને મા-બાપને પગે લાગ્યો. ત્યારે રાજા-રાણીની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યાં. બંને ઘાંચીના પગમાં પડી ગયાં.
રાજાએ ઘાંચીને બીજા દિવસે દરબારમાં બોલાવી ઈનામ આપ્યું. પછી જિજ્ઞાસાવશ એણે કરેલા ઉત્તમ દાન વિશે પૂછ્યું ત્યારે ઘાંચી બોલ્યો : “નામદાર! હું એક ગરીબ ઘાંચી છું. ઘાણી ચલાવી, તેલ કાઢી, વેચી ગુજરાન ચલાવું છું. સંતાનમાં પાંચ દીકરા અને પાંચ દીકરી છે. પેટે પાટા બાંધીઅને માંડ ગુજારો કરીએ છીએ. મેં અને મારી પત્નીએ આજીવન પુરૂષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ લીધો છે. અન્નદાન કે વસ્ત્રદાન કરવા માટે આમારી પાસે કાંઈ નથી. તેથી આ વખતે અમે બળદને આરામ આપ્યો અને બળદને બદલે ઘાણીએ અમે જુત્યાં. એક ઘડી મારી પત્ની જૂતે, એક ઘડી હું જૂતું. રોજ બે તાંબિયાનું વધારે કામ કરીએ. એક તાંબિયાનું દાન હું કરું, એકનું મારી પત્ની કરે. હે સ્વામી ! વ્રત કહો તો વ્રત અને દાન કહો તો દાન અમે આટલું કર્યું છે.”


ઘાંચી આગળ કશું બોલે એ પહેલાં આકાશવાણી સંભળાઈ : “હે ભક્ત તેં જે દાન કર્યું છે એ ઉત્તમમાં ઉત્તમ દાન છે.”


કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય


બધા ઘાંચીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. રાજાએ એને લાખ સોનામહોરો આપી. ઘાંચી ઘાંચણ મૃત્યુલોક પર સર્વ સુખ ભોગવી અંતકાળે સદેહે વૈકુંઠ ગયા.


હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! જે અંત:કરણના શુદ્ધ ભાવે પરસેવાની કમાણીના પાઈ પૈસાનું દાન કરે, તમારું વ્રત કરે, આખો મહિનો ન્હાય અને કથાવાર્તા સાંભળે તેના પર તમે પ્રસન્ન થજો અને એનું કલ્યાણ કરજો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો