શનિવાર, 29 જુલાઈ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બારમો | Purushottam Maas Katha Adhyay 12 in Gujarati | Adhyay 12 | | Adhik Mass 2023 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બારમો |  Purushottam Maas Katha Adhyay 12 in Gujarati  | Adhyay 12 | | Adhik Mass 2023 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-12-in-gujarati
purushottam-maas-katha-adhyay-12-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય બારમો મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય અદેખી ભાભીની વાર્તા.

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અગિયારમો  


અધ્યાય બારમો : મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ


નારદે કહ્યું : “હે નાથ ! ભગવાન શંકર અંતરધ્યાન થઈ ગયા, તે પછી તે મુનિ કન્યાનું શું થયું તે મને વિગતે આપ કહો, કેમકે ધર્મની સિદ્ધિ માટે મને એ સાંભળવાની ઈચ્છા છે.”


શ્રી નારાયણ બોલ્યા : “આ જ પ્રમાણે પૂર્વે યુધિષ્ઠિર રાજાએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું. તે વખતે એમણે રાજા યુધિષ્ઠિરને જે કહ્યું હતું તે હું કહું છું. સાંભળો –


શ્રીકૃષ્ણેકહ્યું : “ હે રાજન ! ભગવાન શિવ વરદાન આપી અદ્રશ્ય થઈ ગયા પછી આવા વિચિત્ર વરદાનથી એ તપસ્વિની કુમારીના હૃદયમાં શોકરૂપીઅગ્નિની જ્વાળા ભભૂકી ઊઠી. તે ચિંતામાં અને નિરાશામાં ડૂબી ગઈ. ઉદાસીએ તેને ઘેરી લીધીઅને દિવસે દિવસે તે કૃશ થઈ કાળને વશ થઈ મૃત્યુ પામી.


તે સમયે પૃથ્વી પર ધર્મિષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપુર ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો હતો. ત્યારેયજ્ઞકુંડમાંથી સોના જેવી કાંતિવાળી સુંદર કુમારી જન્મી, જે દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામે લોકમાં પ્રખ્યાત થઈ.


આ જ દ્રૌપદીને વિવાહ યોગ્ય થતાં દ્રુપદરાજાએ યોજેલ સ્વયંવરમાં અર્જુને, કર્ણાદી જેવા મહાપરાક્રમી રાજાઓનું માન-મર્દન કરી માછલીની આંખ વીંધી દ્રૌપદીને પ્રાપ્ત કરી. પણ માતા કુંતાનું વચન પાલન કરવા માટે તે પાંચે પાંદવોની પત્ની બની.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે



“હે રાજન ! એમ પૂર્વેઋષિકન્યા જે મેઘાવતી હતી તે હાલ બીજા જન્મમાં દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ છે. તેણે પૂર્વજ્ન્મમાં પુરૂષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેના લીધે તેને દુષ્ટ દુ:શાસને વાળૅથી પકડિ તેનાં વસ્ત્રો ખેંચ્યા હતાં. દ્રૌપદી આ સાંભળી બોલી: “હે ઈન્દ્રિયોના નિયંતા ! મારે તો બધૂ6યે આપ જછો. દુ:શાસને દુ:ખી કરેલી મને શું આપ નથી જાણૅતા ? “
“પાપી દુ:શાસને દ્રૌપદીને ભરી સભામાં વસ્ત્રહીન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મને કરુણ સ્વરે પોકાર કર્યો. એટલે હે રાજન ! તરત ગરુડ પર ચડી ત્યાં આવી બાજુ પર ઊભા રહી મેં જ આ દ્રૌપદીને અનેક વસ્ત્રો પૂર્યાં હતાં અને તેની લાજ રાખી હતી.


 હે રાજન! પુરૂષોત્તમ માસ સર્વ ફળ આપનારો છે. આ માસ અત્યંત  પવિત્ર અને સર્વકામનાઓ  પૂર્ણ કરનાર છે. સૂરસૂર-નાગ-મુનિ સર્વે આ માસને શ્રદ્ધા અને ભક્તિથી સેવે છે. માટે તમે હવે આવનારા પુરૂષોત્તમ માસનું આરાધન કરો. ચૌદ વર્ષ પૂરાંથતા6 તમારું સંપૂર્ણ કલ્યાણ થશે. તમારાં કષ્ટો નાશ પામશે અને તમારું ગયેલું રાજ પાછું મળશે અને તમે સર્વ પ્રકારે સુખ-સંપત્તિ પામી અંતે મોક્ષને પ્રાપ્ત કરશો.”


 “હે પાંડુપુત્ર રાજા ! દુ:શાસન, દુર્યોધન વગેરે સર્વ દુષ્ટોને હું યમલોકમાં પહોંચાડીશ.યમરાજા તેમને તેમની કરણીનું ફળ આપશે. હું તો તે દુષ્ટોને શિક્ષા કરવા માટે પણ તેની સામે જોતો નથી.”


“હે રાજા યુધિષ્ઠિર ! હવે હું દ્વારકા જઈશ. ત્યાં બધા મારા આવવાની રાહ જોતા હશે. મારાં દર્શન માટે બધા ખૂબ ઉત્સુક રહે છે.’


ભગવાન શ્રીકૃષ્ણે એમ કહ્યું ત્યારે પાંડવો ગળગળાં અવાજે માંડ બોલી શક્યા. હે પ્રભુ ! તમે જ અમારા તારણહાર છો. અમે તમારા શરણે આવેલા છીએ. તમે અમને માર્ગદર્શન આપજો અને અમારી રક્ષા કરજો.” પાંડવોને આશ્વાસન આપી ધીરજ બંધાવી શ્રીકૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  


ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાજવા નીકળ્યા. તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ તેમના વિરહથી ઘણું દુ:ખ પામતાં તીર્થાટન કરવા લાગ્યા.હે નારદમુનિ ! એ પછી પાંદવોએ પુરૂષોત્તમ માસ આવતાં તેનું વિધિ-વિધાનથી પૂજા-જપ-તપ-દાન કર્યું. ભગવાન પુરૂશોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા. એ વ્રતની સમાપ્તિ થયા પછી ચૌદ વર્ષ પૂરાં થતાં જ તેઓએ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો અને નિષ્કંટક અતુલ રાજ્ય પ્રાપ્ત કર્યું.”


સુતજી બોલ્યા : “હે બ્રાહ્મણો ! મેં પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય મહામુનિ શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે તમને કહ્યું છે. ગોલોકપતિ ભગવાન શ્રીકૃષ્ણે જેને પોતાનો કર્યો છે તે શ્રી પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય દેવો પણ જાણી શકતા નથી તો આપણે પામર મનુષ્યો ક્યાંથી જાણી શકવાના? 


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“મેઘાવતી પુનર્જન્મમાં દ્રૌપદી થઈ” નામનો બારમો અધ્યાય સંપૂર્ણ.


 હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


અદેખી ભાભીની વાર્તા


ભક્તિપુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણ-બ્રાહ્મણી રહે. બ્રાહ્મણીનું પિયર ગામમાં જ હતું. ભાઈ ઘણો ધનવાન પણ ભાભી ઘણી અદેખી. તેણે ધણીને એવો વશ કરેલો કે ભાઈ પોતાની બેનને કાંઈ મદદ ના કરે. બ્રાહ્મણીને સાત સાત દીકરા. પેટનો ખાડો માંડ પુરાય. ક્યારેક તો ભૂખ્યા સૂવું પડે પણ તોય બ્રાહ્મણી ઘણી ખાનદાન. ગામમાં ભાઈના વખાણ કરતી ફરે.


એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત લીધું.એની અદેખી ભાભીએ પણ વ્રત લીધું. એને સંપત્તિ અપાર હતી, પણ સંતતિ ન હતી. ભાભી તો સોળ શણગાર સજીને પૂજન કરવા જાય. એમ કરતાં વ્રત પૂર્ણ થયું. ઉજવણાનો દિવસ આવ્યો. ભાભીએ ગામના તમામ બ્રાહ્મણોને નોતરી દીધા. છેલ્લે નણંદના ઘેર આવી અને મોં બગાડીને કહેવાલાગી : “લોકલાજે આવવું પડે એટલે આવી છું. બધા જમી લે પછી હું બોલાવું ત્યારે આવજો, કાળમાંથી ઊઠ્યા હોય એમ ભુખાવળાની જેમ દોડી ન આવતા.”
નણંદને ભાભીના વેણ વસમાં તો બહુ લાગ્યાં પણ એ છાના ખૂણે આંસુ સારીને બેસી રહી. છોકરા તો રાજીના રેડ થઈ ગયા. વાહ ભાઈ વાહ ! મામાના ઘેર જમવા જવાનું, અને મેવા-મીઠાઈ ખાવા મળશે, મજા પડી જવાની.

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    


બીજા દિવસે બધાય બ્રાહ્મણો જમી પરવાર્યા પણ ભાભી બોલાવવા ન આવી. છોકરા ધમપછાડા કરે છે. બ્રાહ્મણી “હમણાં આવશે, હમણાં આવશે.” એમ સમજાવીને શાંત પાડે છે. એમ કરતાં સાંજ પડી. દી’ આથમી ગયો. ખાઉં ખાઉં કરતાં બિચારા છોકરા ભૂખ્યા-તરસ્યા સૂઈ ગયા. પણ જમવાનું કહેવા ભાભી ન આવી તે ન જ આવી. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા. રાતે બ્રાહ્મણીએ વિચાર કર્યો કે સવારે છોકરા ઊઠીને ખાવા માંગશે ત્યારે શું આપીશ ? બચારા બાળકોને મામીના સ્વભાવની શું સમજ પડે ? અત્યારે તે માંડ માંડ ઝંપીને સૂઈ ગયા છે પણ સવારે વહેલા ઊઠીને પાછા ખાવાનું માંગશે ત્યારે મારે શું જવાબ દેવો ? છેવટે ન છૂટકે બ્રાહ્મણી તો ચૂપચાપ ગઈ ભાભીના ઘેર. ત્યાં તો રોશની ઝળહળે છે. મંગલગીત ગવાય છે. ઘરના ખૂણે એઠાં પતરાળાંનો ઢગલો પડ્યો છે. બ્રાહ્મણી તો આઠ-દસ પતરાળાં સાડલામાં છુપાવીને ઘેર આવી, એમાં જે એઠું-જૂઠું વધ્યું હતું એના લાડવા વાળીને પતરાળાં ઘરના ખૂણે ફેંકી દીધાં અને સૂઈ ગઈ. એણે વિચાર્યુંકે છોકરા સવારે ઊઠશે એટલે આ લાડવા આપીશ, તો બચારા ખુશ ખુશ થઈ જશે.


રોજની ટેવ પ્રમાણે બ્રાહ્મમુહૂર્તે ઊઠીને એણે દીવો કર્યો. ત્યાં ખૂણામાં કાંઈક ચળકતુ જોયું. જઈને જોયું તો બધાય પતરાળાં સોનાના થઈ ગયાં છે. એણે તો પતિને જગાડ્યો. પતિ-પત્ની વિચાર કરવા લાગ્યા કે આ તો ભાઈનાં પતરાળાં, ભલેને સોનાનાં રહ્યાં તોય આપણાથી ન લેવાય.


બ્રાહ્મણી તો તરત દોડતી ગઈ ને ભાઈને તેડી લાવી. સોનાનાં પતરાળાં બતાવીને બધી વાત કરી ત્યારે બહેનની ખાનદાની જોઈ ભાઈની આંખમાંથી ડબ ડબ કરતાં આંસુ સરી પડ્યાં. એણે એ પતરાળાં બહેનને કાપડામાં દઈ દીધાં. પુરૂષોત્તમ પ્રભુની દયાથી બ્રાહ્મણી પળવારમાં ધનવાન થઈ ગઈ. એણે તો આખા ગામને જમવા તેડ્યું. ભાભીને પણ નોંતરું દીધું. ભાઈ-ભાભી જમવા આવ્યા. ભાણેજ પીરસવા લાગ્યા. મામીના ભાણામાં સવા શેર સોનાનો લાડવો મૂક્યો.


મામી ભડકી ! “કેમ આમ સોનાનો લાડવો મૂકો છો ?”


“મામી!” ભાણેજડા બોલ્યા : “અમે ગરીબ હતા ત્યારે તમે અમને ધિક્કારતા હતા ને બોલાવતા નહોતા અને આજ અમે ધનવાન થયા તો તમે દોડતા આવ્યા. જે કાંઈ છે એ સોનાની કૃપા છે. તમને સોનું વહાલું છે એટલે જમવામાં પણ એ જ દીધું છે. જમો તમ તમારે નિરાંતે !”


મામીની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યાં. એ ઊઠીને નણંદ પાસે આવી અને સાચા દિલથી માફી માંગવા લાગી. નણંદ તો દયાળુ જ હતી. તરત ભાભીને માફ કરી દીધી.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


બ્રાહ્મણીની પ્રાર્થનાથી ભાભીનો ખોળો ભરાયો અને સૌ સારા વાનાં થયાં.
 “શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર;

ફળ તેને લાધશે, નિશ્ચે માનજો એ સાર.”


          હે પુરૂષોત્તમરાય ! તમે જેવા ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા સૈને ફળજો.






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો