મંગળવાર, 8 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ત્રેવીસમો | Purushottam Maas Katha Adhyay 23 in Gujarati | Adhyay 23 | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ત્રેવીસમો  |  Purushottam Maas Katha Adhyay 23 in Gujarati  | Adhyay 23 | Adhik Mass 2026 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-23-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય ત્રેવીસમો ચિત્રબાહુ રાજાનું આખ્યાન અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ગંગાસ્નાનનું ફળ નામની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બાવીસમો


અધ્યાય ત્રેવીસમો ચિત્રબાહુ રાજાનું આખ્યાન 


દ્રઢધન્વા રાજાએ વાલ્મીકિને પૂછ્યું : “હે દીન વત્સલ ! શ્રી પુરૂષોત્તમ માસમાં દીવાનું દાન કરવાથી શું ફળ મળે છે ? આપ કૃપા કરી એ મને કહો.”


વાલ્મીકિ બોલ્યા : “હે રાજાઓમાં સિંહ સમાન રાજા ! દીપદાનના ફળને જાણવા માટે એક કથા કહું છું. પાપનો નાશ કરનારી કથા તમે સાંભળો. તેનાથી પાંચ પ્રકારનું મહાપાપ પણ નાશ પામે છે.”


સૌભાગ્ય નગરમાં ચિત્રબાહુ નામે પ્રખ્યાત રાજા હતો. બ્રાહ્મણો તરફ સદવર્તન રાખનાર, કથા સાંભળવામાં તત્પર, પોતાની પત્નીમાં જ નિત્ય કામક્રીડા કરનાર, સમૃદ્ધિમાં કુબેર જેવો હતો. તેની પત્નીનું નામ ચિત્રકળા હતું. રાજા ચિત્રબાહુ યુવાન હોઈ એ રાણી સાથે પૃથ્વીને ભોગવતો હતો અને શ્રીકૃષ્ણ સિવાય બીજા દેવને (શ્રેષ્ઠ તરીકે) જાણતો જ ન હતો.


એક દિવસ રાજા ચિત્રબાહુએ દૂરથી આવતા મુનિશ્રેષ્ઠ અગસ્ત્યને જોયા. વિધિ પ્રમાણે પૂજા કરી બેસવા આસન આપ્યું અને પછી વિનયથી નમ્ર થઈ તેણે એ ઉત્તમ મુનિને આ પ્રમાણે કહ્યું :


“આજે મારો જન્મ સફળ થયો છે. રથો સહિત મારું રાજ્ય હું આપને અર્પણ કરું છું. આપ એનો સ્વીકાર કરો. મારી ઈચ્છા વનમાં જઈ પ્રભુ સ્મરણ કરી જન્મારો સુધારવાની છે. તો આપ મારા પર કૃપા કરો.”


અગસ્ત્ય બોલ્યા : “હે ચિત્રબાહુ ! તું ધન્યવાદને પાત્ર છે. તારી પ્રજા ભાગ્યશાળી છે, જેઓનું તું વૈષ્ણવ રાજા રક્ષણ કરે છે. હે રાજન ! હું તને આજ્ઞા આપું છું તેથી આ રાજ્ય તારે જ કરવું જોઈએ. મેં રાજ્ય પર તારી પ્રતિષ્ઠા કરી. બસ હવે હું જાઉં છું, તારું કલ્યાણ થાઓ.” ઋષિએ તેની પત્ની ચંદ્રકળાને પણ આશીર્વાદ આપ્યા.”તારું સૌભાગ્ય સદા અખંડ રહો. શ્રીકૃષ્ણ પ્રભુમાં તારી ભક્તિ સદા દ્રઢ થાઓ.”


 શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય


ત્યારે ચિત્રબાહુ બોલ્યો : “હે મહર્ષિ ! આપ ત્રિકાળજ્ઞાની છો. તો મને જણાવો કે આ વૈભવ, ધન-સંપત્તિ, પતિવ્રતા નારી કયા પુણ્યબળે પ્રાપ્ત થયા ?”


અગસ્ત્ય બોલ્યા : “હે રાજન ! તારું પૂર્વજન્મનું બધું ચરિત્ર મેં જોઈ લીધું છે. તું પૂર્વ જન્મમાં મણિગ્રીવના નામે શુદ્રજાતિમાં જન્મેલ. તારી પત્ની જે અત્યારે છે તે સુંદરી મન, વચન, કર્મથી પતિ સેવામાં જ તત્પર ધર્મનિષ્ઠ અને ઉત્તમ મનવાળી હતી. તું તો પાપકર્મો કર્યા જ કરતો હતો. તેથી તારાં સગાંસંબંધીઓએ તને છોડી દીધો હતો અને તારા પર ક્રોધે ભરાયેલા રાજાએ તારું સર્વ ધન લઈ લીધું. જેથી નિર્જન જંગલમાં જઈ ત્યાં અનેક જીવોને મારી નાખી તું પોતાનું પોષણ કરતો અને હે રાજા ! પોતાની રાણી સાથે એમ આજીવિકા ચલાવતો હતો.”


એક વખત તે નિર્જન વગડામાં ઉગ્રદેવ નામના પ્રસિદ્ધ મુનિ સૂર્યના તાપથી અકળાઈને તરસથી પીડાતાં બેભાન થઈ ઢળી પડ્યા. તેં એમને જોયા એટલે તું એમને ઉપાડીને તારા આવાસે લઈ આવ્યો.તમે બંને પતિ-પત્નીએરાતભરજાગી તે મુનિની સેવા કરી.


બ્રાહ્મણ ઉગ્રદેવ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે પત્ની સહિત મણિગ્રીવે એ શ્રેષ્ઠ મુનિને નમન કર્યું અને તેમનો અતિથિ સત્કાર કરતાં વિનયપૂર્વક કહ્યું :”હે બ્રાહ્મણ ! આપનાં દર્શનથી જ મારાં પાપ નાશ પામ્યા છે. મારા પર કૃપા કરી આ ફળનો આપ સ્વીકાર કરો અને અમને પતિ-પત્નીને આપ કૃતાર્થ કરો.”


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


ઉગ્રદેવ બોલ્યા : “હું તને ઓળખતો નથી.”


“હું મણિગ્રીવ નામે શુદ્ર છું. કુટુંબીઓએ મારો ત્યાગ કર્યો છે.” એમ કહી તેણે એ મુનિગ્રીવને વિનવીને પોતનાં કર્મોના ઉગ્ર પરિણામ રૂપ પોતાનું વૃતાંત કહેવા માંડ્યું.


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“ચિત્રબાહુ રાજાનું આખ્યાન” નામનો ત્રેવીસમો અધ્યાય સંપૂર્ણ.


હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ગંગાસ્નાનનું ફળ


ગંગા કિનારે એક ગામમાં એક બ્રાહ્મણ રહે. કર્મકાંડ કરે અને જરૂરિયાતવાળાને વ્યાજે પૈસા પણ ધીરે. એને એક દીકરો. દીકરાનું નામ દેવશર્મા. દીકરાના લગન થઈ ગયેલાં પણ વહુ મોટે ભાગે પિયરમાં જ રહે. એમ કરતાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે દીકરાને કહ્યું : “બેટા ! હવે પુરૂષોત્તમ માસ ચાલુ થશે, આ આખો મહિનો મારે કર્મકાંડ, કથા-વાર્તા કરવા પડશે. આથી મારે મોડા સુધી નદીએ રોકાવું પડશે. 

આથી મારે મોડા સુધી નદીએ રોકાવુ પડશે. એટલે તું વહુને એના પિયરથી તેડી લાવ. પુરૂષોત્તમ માસમાં હાથે રાંધવાની કડાકુટ ન રહે અને નિરાંતે ધર્મધ્યાન થાય.” દીકરો તો ઊપડ્યો સાસરે. રસ્તામાં એક પટેલનું ખેતર આવ્યું. ખેતરમાં સરસ મજાનો પાક ઊભો હતો. ઊભા પાકને જોઈ તેની આંખો ઠરી. ત્યાં જ તેની નજર ખેતરમાં ઊભો પાક ચરતી એક ગાય ઉપર પડી. આ ખેડૂતને તેના પિતાએ વ્યાજે પૈસા ધીરેલા. એટલે દેવશર્માએ વિચાર કર્યો કે આ ગાય રોજ આવતી હશે અને ઊભો મોલ ખાઈ જતી હશે. આવી રીતે જો એ ચરી જાય તો ખેડૂત નુકસાનીમાં જાય. ખેડૂત મારા પિતાજીના પૈસા કેમ કરીને પાછા આપશે ?


દેવશર્માએ તરત ખેડૂતને બોલાવ્યો અને એને ઠપકો આપ્યો. રોષે ભરાયેલો ખેડૂત તો ગાયને જોતાં જ ધોકો લઈને તૂટી પડ્યો. એવી મારી એવી મારી કે ગાય ધરતી પર ઢળી પડી. મોઢે ફીણ આવી ગયા. ડોળા ઊંચે ચડી ગયા. મરતાં પહેલાં ગાયે દેવશર્માને શ્રાપ આપ્યો કે “બ્રાહ્મણ હોવા છતાં તે ગૌ હત્યા કરાવી તેથી તું ગધેડો બનીને ભટકીશ.” શ્રાપ સાંભળતાં જ દેવશર્મા ગભરાયો અને ગાયના પગમાં પડીને આજીજી કરવા લાગ્યો. 

 વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  


ત્યારે ગાય બોલી : “તારી વહુ પુરૂષોત્તમ પ્રભુનું વ્રત કરે, પોતે ગંગાસ્નાન કરે એ પહેલાં તને સ્નાન કરાવે, તને ખવડાવીને ખાય તો તારી મુક્તિ થાય.”


આટલું બોલીને ગાય તો મરી ગઈ. દેવશર્મા ભાંગેલા પગે સાસરે આવ્યો. વહુને વાત કરી.વાત પૂરી થતાં જ એ ગધેડો બની ગયો. વહુ પતિવ્રતા અને ધર્મનિષ્ઠ નારી હતી. એણે પુરૂષોત્તમ વ્રતનો સંકલ્પ કર્યો. રોજ ગધેડાને ગંગા નદીમાં સ્નાન કરાવે. પછી પોતે સ્નાન કરે. કથાવાર્તા સાંભળે પછી ગધેડાને ખવડાવીને પોતે ખાય. ગામ આખું દાંત કાઢે. વહુની ઠઠ્ઠા-મશ્કરી કરે, પણ વહુને તો એ ભલી અને એનો ગધેડો ભલો.


લોક-લાજ છોડીને વહુએ વ્રત પૂર્ણ કર્યુ. પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો એટલે વહુએ પુરૂષોત્તમ પ્રભુને સાચા દિલથી પ્રાર્થના કરી અને ગંગાજળ હાથમાં લઈ ગધેડા ઉપર છાંટ્યું. એ પવિત્ર વ્રત તથા ગંગાસ્નાનના પ્રભાવે દેવશર્મા ગધેડામાંથી ફરી માણસ બન્યો.
ત્યારબાદ પતિ-પત્ની સુખેથી જીવન વિતાવી અંતે વૈકુંઠમાં ગયા.


ગંગાજળ સમાન જળ નહીં, ધુએ સર્વના પાપ,

પાપી પણ પુણ્યશાળી બને, મટે મનના દ્વેષ રાગ.

          હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા વહુને ફળ્યા એવા પતિત પાવની ભગીરથીમાં સ્નાન કરનાર સૌને ફળજો.

Gujarati Bhakti Lekh on Whatsapp


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બાવીસમો | Purushottam Maas Katha Adhyay 22 in Gujarati | Adhyay 22 | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય બાવીસમો |  Purushottam Maas Katha Adhyay 22 in Gujarati  | Adhyay 22 | Adhik Mass 2026 | Okhaharan | 



purushottam-maas-katha-adhyay-22-in-gujarati
purushottam-maas-katha-adhyay-22-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય બાવીસમો પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ઉમા માની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય એકવીસમો


અધ્યાય બાવીસમો પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો 


મહર્ષિ વાલ્મીકિને હાથ જોડીને દ્રઢધન્વા રાજાએ પૂછ્યું : “હે મુનિ ! આ પુરૂષોત્તમ માસમાં વ્રત કરનારે ક્યા ક્યા નિયમો પાળવાના છે ? એ બતાવો.”


ઋષિ બોલ્યા : “હે રાજન ! પુરૂષોત્તમ માસમાં ઘઉં, મગ, ઘી, ખાંડ, ચોખા, સફેદ અનાજ, જવ, તલ, વટાણા, કાંગ, કંદમૂળ, કાકડી, કેળાં, સિંધવ, દહીં, ફણસ, આંબો, હરડે, જીરૂ, સૂંઠ, આમલી, સોપારી, આંબળા અને ગોળ વગેરે હવિષ્યાન્ન તથા ફળોનું ભક્ષણ કરવું. માંસ, મધ, અડદ, બે દાળ થાય તેવું ધાન્ય, રાઈ, તેલ આદિ પદાર્થોનો ત્યાગ કરવો. પારકું અન્ન, ઝેર-કાંકરાથી દૂષિત થયેલું, ક્રિયાથી દૂષિત થયેલું, વાણીથી દૂષિત થયેલું અન્ન લેવું નહીં. પરદ્રોહ ન કરવો. પરસ્ત્રીનું ગમન કરવું નહીં અને તીર્થ સિવાયની બીજી મુસાફરી છોડી દેવી. આ માસમાં દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, મહાત્મા તથા વ્રત કરનારની નિંદા કરવી નહીં, જાયફળ, મસુર, વાસી અન્ન, બકરી, ગાય કે ભેંસના દૂધ સિવાય બીજા કોઈ પ્રાણીનું દૂધ, જે માંસ ગણાય છે તથા તાંબાના વાસણમાં રહેલું દૂધ અને ચામડામાં રાખેલું પાણી એ બધાનો ત્યાગ કરવો.


પ્રત્યેક સ્ત્રી-પુરૂષે વ્રતમાં બ્રહ્મચર્ય પાળવું. પતરાળીમાં જમવું, ચોથે પહોરે જમવું, રજસ્વલા સ્ત્રીથી દૂર રહેવું, અત્યંત, મ્લેચ્છ, પતિત, નાસ્તિક અને વેદની નિંદા કરનાર સંસ્કારહીનો સાથે બોલવું નહીં, કાગડાએ એંઠું કરેલું અન્ન કે જળ, સૂતકીનું, બીજી વાર રાંધેલું કે દાઝેલું અન્ન ખાવું નહીં, કાંદા, લસણ, ગાજર, અળવીના પાંદડાં, મૂળો અને સરગવાની શીંગો ખાવી નહી. આ બધા પદાર્થ તજી દેવા.


ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ચાંદ્રાયણ આદિ વ્રતો કરવાં. પડવાને દિવસે કોળું, બીજને દિવસે રંગણ, ત્રીજે પુષ્પનું શાક, ચોથે મૂળા, પાંચમે નિલું, છઠે તરબૂચ, સાતમે સર્વ ફળોનું શાક, આઠમે આંબળા, નોમે નાળિયેર, દશમે દૂધી, અગિયારસે પંડોળું, બારશે બોર, તેરસે કાળાં રીંગણ, ચૌદશે વેલાનું શાક, પૂનમે પાણીમાં થનારા શાક લેવાં નહીં. રવિવારે આમળા ખાવા નહીં. જે પદાર્થોનો ત્યાગ કર્યો હોય તે પદાર્થો બ્રાહ્મણોને દાન કર્યા પછી જ ખાવાં. આ પ્રમાણે કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખો પુરૂષોત્તમ માસ ઉપવાસ કરવો. તેમ નબને તો માગ્યાવિનાના ઘી કે દૂધ ઉપર કે ફળાહાર ઉપર રહેવું. 


 શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય


વ્રતનો આરંભ થયાને દિવસે સવારમાં વહેલા ઊઠીને સ્નાનાદિથી પરવારી શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો અને નિયમપૂર્વક આખો માસ વૃતાચરણ કરવું. આ માસમાં ભક્તિપૂર્વક શ્રીમદભાગવત સાંભળવું. બની શકે તો એક લાખ તુલસીદલથી શાલિગ્રામની પૂજા કરવી. તેનું પુણ્ય અનંત છે. આ માસમાં વ્રત કરનારને સો યજ્ઞ કરવાનું ફળ મળે છે. જે આ વ્રત કરે છે તેને, હાથીઓ જેમ સિંહને જોઈ નાસી જાય છે તેમ યમના દૂતો નાસી જાય છે. આ વ્રત કરનારને કોઈ જાતની આધિવ્યાધિ કે ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે, સુખ,સંપતિમાં વૃદ્ધિ થાય છે અને સંતાન તથા અમર કીર્તિ પ્રાપ્ત થાય છે. ભૂત, પ્રેતકે પિશાચ તેને પીડી શકતા નથી. “હે રાજન ! આવા હરિભક્તનું ઈન્દ્રાદિ દેવતાઓ તેનું સર્વ વિધ્નોથી રક્ષણ કરે છે. 

જે વિધિપૂર્વક પુરૂષોત્તમ માસનું વ્રત કરે છે, તેનું ફળ કહેવા બ્રહ્માજી, શારદા કે સાક્ષાત હજાર મુખવાળા શેષનાગ પણ સમર્થ નથી.જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન રાસિકેશ્વરનું આ ઉત્તમ વ્રત કરે છે, અંતે તે અનેક સુખો ભોગવીને શ્રી વિષ્ણુ ભગવાનના લોકમાં જાય છે.


 “ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“પુરૂષોત્તમ માસનાં વ્રત નિયમો” નામનો બાવીસમો અધ્યાય સંપૂર્ણ.


 
વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  


હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ઉમા માની વાર્તા


પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલતો હતો ત્યારે એક દિવસ શિવ-પાર્વતી મૃત્યુલોકમાં ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં એક ગામમાં આવ્યાં. એક ખેતર પાસેથી પસાર થતાં એક બાજરીયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. લીલોછમ મીઠો-કૂણો બાજરો જોઈ, પાર્વતીજીથી રહેવાયું નહીં અને એ તો બાજરીયું મસળીને લીલોછમ બાજરો ખાવા લાગ્યા. થોડોક ખાધો ત્યાં શિવજી બોલ્યા : “હે દેવી ! માલિકને પૂછ્યા વગર ખાવું એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યાં.” ત્યારે પાર્વતીજીને પણ શિવજીની વાત સાચી લાગી. તેમણે પૂછ્યું : “તમારી વાત તદ્દન સાચી છે. હું દોષમાં પડી છું. પણ એનો કોઈ ઉપાય તો હશે ને ?” શિવજી બોલ્યા : “ હવે આ દોષમાંથી મુક્ત થવું હોય તો બાજરાના જેટલા દાણા ખાધા એટલા દિવસ આ ખેતરના માલિકના ઘેર રહીને કામ કરો.”


પાર્વતીજીએ તો હસીને સજા સ્વીકારી લીધી. શિવજી ગયા કૈલાસ અને પાર્વતી આવ્યા ખેડૂતના ઘેર. પુરૂષોત્તમ મહિનો હતો એટલે ખેડૂત અને એની પત્ની નદીએ નહાવા અને દેવદર્શને ગયા હતાં. નવ વર્ષની દીકરીએ મીઠો આવકાર આપી પાણી પાયું. ખેડૂત આવ્યો એટલે પાર્વતીએ વાત કરી : “મને કામે રાખો. જગતમાં એકલી છું. એક ટંક ખાઈશ અને કહેશો એ કામ કરીશ.”


ખેડૂત ગરીબ હતો, પણ ઘણો દયાળુ હતો. એ તો બોલ્યો : “ભલે બહેન ! ખુશીથી રહો. થાય એ કામ કરજો. તમારું શું નામ છે ?”
“ભાઈ ! લોકો મને ઉમાના નામથી બોલાવે છે.”


જગતજનનીનાં પગલાં થતાં જ ખેડૂતના ભાગ્ય સોળે કળાએ ખીલી ઊઠ્યાં. સો ગણો પાક થયો. ગામમાંથી રોગ-દોગ-શોક ચાલ્યા ગયા. પાર્વતી દેવી તો ખેડૂતના નાનકડા કુટુંબ સાથે એવા હળીમળી ગયાં કે ઉમા મા… ઉમા મા… કર્તાં સૌના મુખ શોભવા લાગ્યાં.


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  


પાવન પુરૂષોત્તમ માસ પૂર્ણ થતાં ખેડૂતે ધામધૂમથી વ્રત ઊજવ્યું, બ્રાહ્મણ જમાડ્યા. પાર્વતી દેવી રાંધે અને સૌ ખાય. એમ કરતાં ત્રણસો દિવસ પૂરા થયા. પાંસઠ દિવસ બાકી રહ્યા ત્યારે ગામે સંઘ કાઢી કાશીની જાતરા કરવાનું નક્કી કર્યું. ખેડૂત અને એની પત્નીને પણ સંઘમાં કાશીએ જવાની ઈચ્છા થઈ, પણ દીકરી નાની હતી એટલે એને ઘેર રાખવી પડે તેમ હતી અને તેની સંભાળ કોણ રાખે ? ઉમામા ખેડૂતની મૂંઝવણ સમજી ગયાં અને બોલ્યા : “ભાઈ ! તમ તમારે નિરાંતે ભાભીને લઈ કાશીએ જાવ, હું દીકરીની અને ઘરની સંભાળ રાખીશ.” મૂંઝવણ ટળતાં નચિંત બની ગયેલા ખેડૂત દંપતી દીકરી અને ઘર ઉમા માને ભળાવી સંઘમાં જોડાયા.


 સંઘ ઊપડ્યો ત્યારે ઉમા માએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતાં કહ્યું કે “ભાઈ !ગંગાને કહેજો કે ઉમા માએ મોકલ્યું છે. હાથોહાથ લેતો જ આપજો.” ખેડૂત મનમાં દાંત કાઢવા લાગ્યો, પણ બહેનનું દિલ ન દુભાય એટલા ખાતર કપડું લઈ લીધું.


રસ્તામાં આવતાં તીર્થોના દર્શન કરતો સંઘ કાશીએ પહોંચ્યો. પાંચ દિવસ સૌ રોકાયા.ગંગાસ્નાન કર્યું. ખૂબ દર્શન કર્યા. પછી સંઘ પાછો ફર્યો. અર્ધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમાબેનનું કપડું તો રહી ગયું. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે. જઈને વિનંતી કરી કે જો સંઘ પાંચ દિવસ અહીં રોકાય તો હું કપડું દેતો આવું. સંઘપતિએ જંગલમાં રોકાવાની ના પાડી દીધી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશી ગયા.


આ બાજુ સવાર પડતાં સંઘપતિએ તંબુઓ ને રાવટી સંકેલી લીધી. બધો સામાન ગાડામાં લાદી આગળ વધવાનો આદેશ આપ્યો. પણ બળદ ઊભા ન થયા. ખૂબ કોશિશ કરી, પણ બળદ ડગલુંય ન ખસ્યા. માંદા પડી ગયેલા બળદ સાજા ન થાય ત્યાં સુધી ફરજિયાત રોકાણ કરવું પડ્યું.


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


પેલી બાજુ ખેડૂત અને તેની પત્ની કાશીએ પહોંચ્યા. ગંગામાં સ્નાન કર્યું. પછી ગંગાને પ્રાર્થના કરી : “ઉમા આએ કપડું મોકલ્યું છે. હાથોહાથ સ્વીકારો તો જ આપવાનું છે.” ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી બે રત્નકંકણ પહેરેલા હાથ બહાર આવ્યા.કપડું સ્વીકારીને અદ્રશ્ય થઈ ગયા. આવું સત જોઈ ખેડૂત ગદગદ થઈ ગયો.


ખેડૂત અને તેની પત્ની પાછા ફર્યા. જોયું તો સંઘ હતો ત્યાંનો ત્યાં. ખેડૂતે બધી વાત જાણી અને જઈને બળદ પર હાથ ફેરવ્યો, ત્યાં તો માંદા બળદ સાજા થઈને ચાલવા લાગ્યા. બધા ખેડૂતની ભક્તિના વખાણ કરવા લાગ્યા. સંઘ ગામમાં પાછો ફર્યો. વાજતે ગાજતે સામૈયા થયા. ખેડૂતે સંઘ જમણ કર્યું.


આમ કરતાં ત્રણસો ને સાંઈઠ દિવસ વીતી ગયા. પાંચ દિવસ રહ્યા. છેલ્લા દિવસની સવારે પાર્વતી બોલ્યા : “ ભાભી ! આજે તો ભાઈને ભાત દેવા હું જઈશ. કોઈ દિ’ ગઈ નથી. આજ તો જવું છે.” ઉમા મા તો ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જુએ છે, પણ સાંજ સુધી કોઈ ભાત લઈને ન આવ્યું. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું કે “આજ ભાત દેવા કેમ ના આવી ?” ત્યારે પત્ની બોલી કે “ભાત દેવા તો ઉમા મા સવારના નીકળ્યા છે, તે તમને મળ્યાં નથી ?”


ખેડૂતને ચિંતા થઈ. આખા ગામમાં ઘેર ઘેર તપાસ કરી. ખેતરે ખેતરે શોધ કરી.પણ ઉમા મા ન મળ્યાં. ત્યારે ખેડૂતે સંકલ્પ કર્યો કે “હવે તો ઉમાબેન આવીને થાળી પીરસે તો જ જમવું, નહિતર ભૂખ્યા પ્રાણ તજવા.” ચાર દિવસ વીતી ગયા. ખેડૂત નથી અન્ન લેતો નથી જળ લેતો. પત્નીએ પણ અન્નજળ ત્યાગ્યાં. 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે


ખેડૂતની આવી અગાધ ભક્તિ જોઈ પાંચમા દિવસે પાર્વતી પ્રગટ થયાં. ખેડૂત દંપતિ ભાવવિભોર થઈ પાર્વતીના પગમાં પડી ગયું. તત્કાળ પાર્વતીએ આદ્યશક્તિનું રૂપ ધારણ કર્યું અને પતિ-પત્નીને આશીર્વાદ આપીને દેવી જવા લાગ્યાં ત્યારે ખેડૂતની પુત્રી બોલી કે “મા ! મારે એકેય ભાઈ નથી. હું રાખડી કોને બાંધું ?” દેવીએ આશીર્વાદ દીધા કે નવા માસે પુત્ર જન્મશે.આદ્યશક્તિ અંતર્ધ્યાન થયાં. ખેડૂત દંપતિ આનંદ પામ્યાં. અવતાર ધન્ય થઈ ગયો. પાર્વતીના આશીર્વાદથી ખેડૂતની પત્નીએ પૂરા નવ માસે દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો. પુરૂષોત્તમ વ્રતના પુણ્ય પ્રભાવે ખેડૂતદંપતિ મહાફળ પામ્યા.


Gujarati Bhakti Lekh on Whatsapp


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   




દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


રવિવાર, 6 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય એકવીસમો | Purushottam Maas Katha Adhyay 21 in Gujarati | Adhyay 21 | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય એકવીસમો |  Purushottam Maas Katha Adhyay 21 in Gujarati  | Adhyay 21 | Adhik Mass 2026 | Okhaharan | 


purushottam-maas-katha-adhyay-21-in-gujarati
purushottam-maas-katha-adhyay-21-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય એકવીસમો પુરૂષોત્તમની પૂજનવિધિ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ભગવાને ભૂખ ભાંગી નામની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય વીસમો 


અધ્યાય એકવીસમો પુરૂષોત્તમની પૂજનવિધિ 


વાલ્મીકિ કહે છે કે “હે રાજા ! મેં તારા આગળ પુરૂષોત્તમ માસનો વ્રતવિધિ કહી સંભળાવ્યો. હવે એનો પૂજાવિધિ કહું છું. સુવર્ણની પ્રતિમાને અગ્નિમાં તપાવ્યા પછી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. તે સિવાય તેમાં દેવતાનો વાસ થતો નથી. જમણા હાથથી પ્રતિમાના બે ગાલનો સ્પર્શ કરવો. તે પછી તેમાં શ્રી પુરૂષોત્તમ ભગવાનનું ધ્યાન કરવું. પવિત્ર બનીને ષોડશોપચારથી પૂજન કરી એ પ્રતિમા સામે હાથ જોડીને કહેવું કે “હે પ્રભો !  મારે આપની પૂજા કરવી છે, આપ પધારો !” ત્યાર પછી તેમને આસન આપવું; જળથી આચમની મૂકવી અને કહેવું કે “પ્રભો! ગંગા અને યમુનાનું પવિત્ર જળ હું આપને આચમનમાં સમર્પું છું.” ત્યાર પછી ઈચ્છાઓ પૂર્ણ થવાની ભાવના સાથે તેમને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવી તીર્થના જળથી સ્નાન કરાવવું,સ્વચ્છ પીતાંબર અર્પણ કરવું; ચંદન, અક્ષત અને તુલસી સમર્પણ કરવાં અને અબીલ તથા ગુલાલ આદિ સુગંધિત દ્રવ્યો ચઢાવવા.

 પછી ‘નંદનંદનને હું નમસ્કાર કરું છું’એમ કહીને ધૂપ, નૈવેદ્ય, જળ, મુખવાસ આદિ ધરાવવા અને પછી પ્રતિમાના દરેક અંગ પર એક એક પુષ્પ ચઢાવતાં દરેક અંગની પૂજા કરવી અને કહેવું : “હે દેવાધિદેવ ! ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે હું આપની પૂજા કરું છું, માટે મારા પર કૃપા કરો.” ત્યાર પછી યથાશક્તિ દક્ષિણા મૂકવી અને આરતી ઉતારવી. પ્રદક્ષિણા કરવી. મંત્ર પુષ્પાંજલિ આપીને બે હાથ જોડીને પ્રભુની પ્રાર્થના કરવી.


મંત્રહીન ક્રીયાહીનં ભક્તિહીનં સુરેશ્વર,

યત પૂજિતં મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મેં.


          અર્થાત “હે પ્રભો ! આપની પૂજામાં કાંઈ ખામી રહી ગઈ હોય તો મારા ભક્તિપૂર્વક પૂજનથી તેને પૂર્ણ માની સ્વીકારી લેજો.” આખો પુરૂષોત્તમ મહિનો પ્રભુની પ્રસન્નતા માટે અખંડ દીવો બળતો રાખવો અને “પુરૂષોત્તમ સ્વાહા” એ નામમંત્રથી દરરોજ તલનો હોમ કરવો. આ પ્રકારે પૂજા કરનાર સંસારમાં અનેક સુખો ભોગવીને અંતે વૈકુંઠમાં જાય છે.


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો

“પુરૂષોત્તમની પૂજનવિધિ” નામનો એકવીસમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ભગવાને ભૂખ ભાંગી


એક નાનકડા ગામમાં એક ડોશી રહે. ડોશીને એક રૂપાળો દીકરો. શરીરે સાજો-નરવો. ભણવામાં હોંશિયાર, પણ એક વાતનું ભારે દુ:ખ. દીકરો થોડા સમયથી ખાય નહી. પીવે નહી. કોળિયો ધાન ગળે ન ઊતરે. દીકરાની આવી હાલત જોઈ ડોશી ચિંતામાં પડી ગઈ અને એ ચિંતામાં તે બિચારી પણ ભૂખી રહે. છતાં ધાને ભૂખ વેઠવી પડે. ખાધા-પીધા વગર દીકરો દિવસે દિવસે દુબળો થતો જાય છે. વૈદ્ય-હકીમને બતાવ્યું પણ કાંઈ ફેર પડ્યો નહી. ડોશી તો મંદિરનાં પગથિયાં ઘસે. પથ્થર એટલા દેવ કરે. બધાય ભગવાનને એક જ આજીજી કરે કે મારા દીકરાને ખાતો કરો.
એક દિવસ પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી. દીકરો ખાતો થઈ ગયો. પણ એવો ખાતો થઈ ગયો કે રાંધ્યું હોય એટલું બધું ખાઈ જાય. તપેલાં ને કડાયાં સાફ કરી દે. દસ માણસનું એકલો ખાઈ જાય. તોય એની ભૂખ ના મટે. આખો દિ’ ખા ખા જ કરે. ડોશી તો મુંઝાણી. દાણાની કોઠી ખાલી થવા માંડી. પાઈ પાઈ કરીને બચાવેલા પૈસા વપરાઈ ગયા. ગમે તેટલું રાંધે તોય દીકરો ખાઉં ખાઉં જ કરે.


ડોશી તો પાછી દોડી ગઈ મંદિરમાં અને પ્રભુને વીનવવા લાગી કે “હે પ્રભુ ! આ નહોતો ખાતો ત્યારેય હું દુ:ખી હતી અને આજે ખાય છે તો પણ દુ:ખી છું. હવે આને અકરાંતિયાની જેમ ખાતો બંધ કરો અને માફકસર ખાય તેવું કરો.” મંદિરનો પુજારી બધો તાલ જોતો હતો. તે ઘણો જ્ઞાની હતો, વિદ્વાન હતો. ડોશીની મુસીબત જોઈ એણે સલાહ આપી કે “માજી ! પુરૂષોત્તમ માસ કાલથી શરૂ થાય છે. તમે પુરૂષોત્તમ માસનું વ્રત કરો. દીકરાને પણ વ્રત કરવાનુંકહો. પ્રભુની દયાથી સૌ સારાં વાનાં થશે.”


ડોશીએ પૂર્ણ શ્રદ્ધાથી પુરૂષોત્તમ માસનું વ્રત કર્યું. દીકરાને પણ ઘણો સમજાવી-પટાવી વ્રત કરાવ્યું. મા-દીકરો રોજ વહેલી સવારે ઊઠે અને નદીએ નહાવા જાય, કથા-વાર્તા સાંભળે, એકટાણું કરે અને યથાશક્તિ દાન કરે. એમ પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો. ડોશીએ બ્રાહ્મણોને જમાડ્યા અને યથાશક્તિ દાન-દક્ષિણા આપ્યાં. એ વ્રતના પુણ્ય પ્રતાપે ડોશીના દીકરાની મૂઢતા નાશ પામી અને તેની બુદ્ધિમાં ચેતન આવ્યું અને તેનું ખાઉંધરાપણું દૂર થયું અને તે પ્રમાણસર ખાતો થયો. ત્યારે ડોશીને હૈયે નિરાંત થઈ. ડોશીએ કરૂણાપૂર્ણ સ્વરે ભગવાન પુરૂષોત્તમનો આભાર માન્યો.

વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા ડોશીને ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો.



Gujarati Bhakti Lekh on Whatsapp


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 5 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય વીસમો | Purushottam Maas Katha Adhyay 20 in Gujarati | Adhyay 20 | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય વીસમો |  Purushottam Maas Katha Adhyay 20 in Gujarati  | Adhyay 20 | Adhik Mass 2026 | Okhaharan | 

purushottam-maas-katha-adhyay-20-in-gujarati
purushottam-maas-katha-adhyay-20-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય વીસમો પુરૂષોત્તમ માસનાં વિધિ-વિધાન અને અમૃત ધારા જે વાતૉ કહેવાય દોકડાની વાર્તા. 


પુરુષોત્તમ માસ કથા અધ્યાય ઓગણીસમો 


અધ્યાય વીસમો પુરૂષોત્તમ માસનાં વિધિ-વિધાન 


રાજા દ્રઢધન્વાએ પૂછ્યું : “હે મુનિ ! આપના કહેવા મુજબ મેં પૂર્વજન્મમાં આ વ્રત કર્યું હતું, પણ એ બધું આ જન્મમાં હું ભૂલી ગયો છું. માટે હે તપોધન! તમે મને એનું પૂજન-વિધાન વિસ્તારથી જણાવો.


વાલ્મીકિ બોલ્યા :  “હે રાજા ! પુરૂષોત્તમ માસની ઉત્તમ વિધિ હું તને વિસ્તારથી સમજાવું છું, સવારમાં ઊઠીને સ્નાનાદિથી પરવારી, ભગવાન પુરૂષોત્તમનું ધ્યાન ધરવું. રવિવારે દાતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી બાર કોગળા કરવા. જો સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો વધારે સારું છે, પણ તેવું પવિત્ર સ્થાન નજીકમાં ન હોય તો નજીકની નદી, કૂવો કે તળાવમાં સ્નાન કરવું એ મધ્યમ છે અને ઘેર સ્નાન કરવું એ સામાન્ય છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવું ને ઓઢવું. શિખાબંધન કરી દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું; કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ચંદન-ઊર્ધ્વપુંડ્રમાં કરવું. અને તેની વચ્ચે ટપકું કરવું, કારણકે ઊર્ધ્વપુંડ્રમાં લક્ષ્મી સહિત ભગવાન અને ત્રિપુંડમાં પાર્વતી સહિત શંકર નિવાસ કરે છે. તે પછી ભગવાનના ચારે આયુધો – શંખ, ચક્ર, ગદા અને પદ્મ આદિ ચિહ્નો ધારણ કરવાં.આથી સર્વ પાપો નષ્ટથાય છે. ત્યાર પછી પ્રાણાયામ કરીને સંધ્યાવંદન અને જપ કરવો. સૂર્યના દર્શન કરીને ગાયત્રી પાઠ કરવો. આ બધી વિધિ દિવસના પહેલા ભાગની છે.


તે પછી જ શ્રી પુરૂષોત્તમ  ભગવાનની પૂજાનો પ્રારંભ કરવો, બેસવાની જગ્યાએ છાણથી લીંપીને ચતુષ્કોણ મંડલ બનાવવું, તેના ઉપર ચોખાનું અષ્ટદલ બનાવવું, તેના ઉપર સોનાનો, રૂપાનો, ત્રાંબાનો કે માટીનો છિદ્ર વિનાનો કળશ લઈને સ્થાપિત કરવો. એ કળશમાં ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, કાવેરી આદિ પવિત્ર નદીઓનું સ્મરણકરીને તીર્થોનું આવાહન કરવું અને કળશ પર ચંદન, અક્ષત, પુષ્પ વગેરેથી અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજાકરીને તેનાપર ત્રાંબાનું તરભાણું ઢાંકી તેના પર પિતામ્બરધારી પુરૂષોત્તમ ભગવાનની સોનાની મૂર્તિની સ્થાપનાકરવી, અને તેની ભક્તિભાવથી પૂજા કરવી.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


“હે શ્રેષ્ઠ રાજા ! ફૂટેલા ઘડામાંથી નીકળતા પાણીની જેમ મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે. લક્ષ્મી પણ સમુદ્રના મોજાની માફક આવે છે ને ચાલી જાય છે. યુવાનીના ફૂલને પણ કરમાતાં વાર લાગતી નથી. માયાના મોહક પદાર્થો પણ પાણીના પરપોટા જેવા મિથ્યા છે. માટે ધન; યઓવન અને જીવન એ બધાને નાશવંત સમજીને ધર્મપાલન કરવામાં મનુષ્યે ઉદાર બનવું, પોતાના અત્માનો ઉદ્ધાર પોતે જ કરવો, જેમ સાપના મોંમા અડધો ગળાયેલો દેડકો પાસે ઉડતા મચ્છરને મારવાની ઈચ્છા કરે છે, તેમ કાળના મોંમા ફસાયેલો જીવ માયાના પદર્થો મેળવવાની આશા કરે છે. પોતાના તુચ્છ સુખ માટે એ બીજા જીવોને બહુ દુ:ખ આપે છે. ધન-ધર્મને બહુ મેળ નથી. જ્યારે ધન હોય ત્યારે ધર્મમાં બહુ ચિત્ત જોડાતું નથી ને ધર્મમાં ચિત્ત હોય ત્યારે ધન તુચ્છ લાગે છે; ધન અને ધર્મ બંને મળે ત્યારે સુપાત્ર મળતો નથી; આ ત્રણેના સુયોગમાં જે મનુષ્યનો લાભ લે છે તે મહાન ભાગ્યશાળી છે. આ પુરૂષોત્તમ માસમાં થોડા ધનથી મહાન ધર્મનું પાલન થઈ શકે છે


 માટે સ્નાન, દાન, જપ અને પૂજન કરી પુરૂષોત્તમ ભગવાનની કથા સાંભળવી. હે રાજા ! જેમ નદીઓમાં ગંગા ઉત્તમ છે, તેમ બધા વ્રતોમાં પુરૂષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ છે. જેમ હાથીના પગલામાં બધા જીવોનાં પગલાંઓનો સમાવેશ થઈ જાય છે તેમ પુરૂષોત્તમ માસના વ્રતમાં બધાં વ્રતોનું પુણ્ય સમાયેલું છે. જેમ બધી નદીઓ ગંગાજી જેવી નથી, બધાં વૃક્ષો કલ્પવૃક્ષ જેવાં નથી, બધાં રત્નો જેમ ચિંતામણી જેવા નથી, જેમ બધી ગાયો કામધેનુ જેવી નથી, બધા પુરૂષો રાજા સમાન નથી, બધાં શાસ્ત્રો વેદ જેવા નથી, તેવી રીતે બધાં વ્રતો કે પુણ્યો પુરૂષોત્તમ માસ સમાન ફળવાળાં નથી. તેથી આ મહિનામાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પુરૂષોત્તમ ભગવાનની પૂજા-વ્રત કરવા અને પવિત્ર કથા સાંભળવી.


 “ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો


“પુરૂષોત્તમ માસનાં વિધિ-વિધાન” નામનો વીસમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


દોકડાની વાર્તા


એક નાના ગામમાં એક વિધવા બ્રાહ્મણી રહે. ઘણી જ ધર્મિષ્ઠ અને વ્રત-તપ કરનાર. સંતાનમાં એક દીકરો.એનુંનામ બટુક. દીકરો આખો દિવસ ગામમાં લોટ માંગે. જે મળે એ મા-દીકરો સંતોષથી ખાય. એવામાં પાવન પુરૂષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત આદર્યું. એની ઈચ્છા તો એવી હતી કે દીકરો પણ વ્રત કરે. પણ બટુકનું મન તો ભિક્ષામાં જ ચોંટ્યું હતું તેથી એ હા ના કરતો. છેલ્લા પાંચ દિવસ રહ્યા ત્યારે બ્રાહ્મણીએ પરાણે સંકલ્પ કરાવ્યો. માનું મન રાખવા બટુકે વ્રત લીધું. સવારે મોડુ ન થાય એટલા માટે એ પરોઢિયે નહાવા ઉપડી જતો. ડૂબકી ખાઈને ભીના લુગડે જ ઘેર આવતો.

વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


પહેલા દિવસે બટુક નહાઈને ઘેર આવતો હતો. રસ્તામાં જીર્ણ શીર્ણ શિવાલય આવ્યું. બટુકે વિચાર્યું કે શિવજીને જળ ચઢાવતો જાઉં, નહિતર મા કચકચ કરશે. બટુક તો ગયો શિવાલયમાં. અંદર શિવ-પાર્વતી ચોપાટ રમે છે. બાજી પૂરી થતા શિવજી બોલ્યા કે હું જીત્યો, પાર્વતી બોલ્યા કે હું જીતી. શિવ-પાર્વતી રકઝક કરવા લાગ્યા. ત્યાંજ શિવજીની નજર બટુક પર પડી. શિવજીએ બટુકને બોલાવીને પૂછ્યું કે સાચુ બોલજે કોણ જીત્યું ? બટુકે વિચાર કર્યો કે સાચું બોલીશ તો માતાજી રોષે ભરાશે અને ભસ્મધારી પિતાજી પાસે આપવા જેવું કાંઈ છે નહી. બટુક તો બોલ્યો કે માતાજી જીત્યા. પાર્વતીજીએ ખુશ થઈને બે રત્ન આપ્યા. મહામૂલા રત્નો જોઈને બટુક તો રાજી રાજી થઈ ગયો. આખી જીંદગી ખાય તોય ન ખુટે એવા રત્નો કિંમતી હતા.


બટુક તો હરખાતો હરખાતો ઘેર જવા નીકળ્યો. રસ્તામાં નદી આવી. બટુક લોટો ભરવા વાંકો વળ્યો. રત્નો પડી ગયા પાણીમાં, ખુબ ગોત્યા પણ ન મળ્યા. બટુક તો હતાશ હૈયે ઘેર આવ્યો. માને વાત કરી, અક્કરમીનો પડિયો કાણો એમ માની માએ આશ્વાસન આપ્યું.


બીજા દિવસે પણ એવું જ બન્યું. બટુક બોલ્યો કે માતાજી જીત્યા.પાર્વતીએખુશ થઈને કાનની ઝાલ આપી. બટુકે સાવચેતીથી ધોતિયાના છેડે ઝાલ બાંધી અને ઘેર જઈને માને આપી. બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ. આખી જીંદગીનું દારિદ્રય એક જ ઝાલથી ટળી જાય એવું હતું. એ તો ઝાલ ગોખલામાં મૂકીને ચૂલેથી શાક ઉતારવા ગઈ ત્યાં જ પડોશણ સમુડી દેવતા લેવા આવી. ઝાલ જોઈને એનાં મોંમાં પાણી આવી ગયું. એ તો ઝાલ લઈને ચાલી ગઈ. બ્રાહ્મણીએઆવીને જોયું તો ઝાલ ન મળે. બિચારી બ્રાહ્મણી તો લમણે હાથ દઈને રડવા લાગી.


ત્રીજા દિવસે ખુશ થઈને પાર્વતીજીએ બટુકને લાલ માણેકની માળા આપી. બટુક એ ઘેર લઈ ગયો. બ્રાહ્મણી તો માળા લઈને તાત્કાલિક બજારમાં જઈને વેચવાનું નક્કી કરવા લાગી. હજુ એ માળા જોતી જ હતી ત્યાં જ સમડીએ તરાપ મારી.સમડીને એમ કે ખાવાનું હશે. એ તો માળા ચાંચમાં લઈ ઊડી ગઈ. મા-દીકરો એ જાય… એ જાય… કરતા રહી ગયા.

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


ચોથા દિવસે બટુકે નક્કી કર્યું કે આજે જે થવું હોય એ થાય, ભલે કાંઈ ન મળે પણ સાચું જ બોલવું. બટુકે કહી દીધું કે પિતાજી જીત્યા, ત્યારે શિવજીએ જટા ખંખેરી. જટામાંથી એક દોકડો પડ્યો. એ દોકડો બટુકને આપતાં શિવજી બોલ્યાકે આ દોકડાથી તારા ભાગ્ય આડેથી પાંદડું ખસી જશે. તારું દારિદ્રય દૂર થશે. નગરમાં પગ મૂકતાં જ જે વસ્તુ સામી મળે એ ખરીદી લેજે.


બટુક મનોમન હસ્યો. રત્નો-માણેકથી કાંઈ ન વળ્યું ત્યાં આ દોકડાથી શું વળવાનું હતું ? છતાં એ તો લઈને ચાલતો થયો. નગરમાં પગ મૂકતાં જ માછીમાર મળ્યો. શિવજીએ કહેલું કે પહેલું સામે મળે તે ખરીદી લેજે. પણ માછલી ખરીદીને શું કરવી ? પણ આ તો શિવજીની આજ્ઞા હતી, એટલે બટુકે કચવાતા મને માછલી ખરીદી અને દોકડો દઈ દીધો.


આજે બટુક કંઈક નવું કમાઈ લાવશે તેવું વિચારી તેની મા તેની વાટ જોઈ રહી હતી. ત્યાં તો બટુક તો માછલી લઈને ઘેર આવ્યો. માને મરેલી માછલી આપી. બ્રાહ્મણના ઘરમાં માછલી જોઈ મા તો ક્રોધી ભરાઈ કે માછલીનો ઘા કરી દીધો અને બટુકને ધમકાવીને નહાવા બેસાડ્યો. નહાઈને બટુક વસ્ત્ર બદલતો હતો ત્યાં જએક સમડી ઊડતી ઊડતી આવી. એની ચાંચમાં લાલ માણેકની માળા હતી. માછલી પર નજર પડતાં સમડી નીચે ઉતરી. માળા જોતાં જ બ્રાહ્મણીએ બૂમ પાડી : “ઝાલ… સમડી … ઝાલ”

x
બ્રાહ્મણીની બૂમ પડોશણ સમુડીએ સાંભળતાં જ એને ધ્રાસકો પડ્યો. એને લાગ્યું કે પોતાની ચોરી પકડાઈ ગઈ છે. નક્કી હવે ફજેતો થશે. એ તો તરત પટારામાંથી ઝાલ કાઢીને બ્રાહ્મણીના આંગણામાં ફેંકી ગઈ.


એ વખતે મા-દીકરો સમડી પાછળ દોડતા હતા. ટેકરે પહોંચતાં જ સમડીએ માળા ફેંકી દીધી. અને ચાંચ મારતાં જ બે રત્નો માછલીમાંથી નીકળી પડ્યાં. બનેલું એવું કે પાર્વતીએ બટુકને જે બે રત્નોઆપેલાં એ પાણીમાં પડતાં જ આ માછલી ગળી ગયેલી.


          પુરૂષોત્તમ પ્રભુની આવી અકળ લીલા જોઈને મા-દીકરાની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યાં. હરખથી ઘેલા ઘેલા થતાં ઘરમાં આવ્યા. આંગણામાં ઝાલ મળી.


પૂર્ણ શ્રદ્ધાથી ભજ્યા, પુરુષોત્તમ ભગવાન;


કૃપા થકી એમની, મળ્યાં હાર-રત્નો-ઝાલ.


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.    


          માળા મળી, રત્નો મળ્યાં અને ઝાલ પણ પાછી મળી. આ બધી પુરૂષોત્તમ પ્રભુની કૃપા હતી. મા-દીકરાએ આનંદથી વ્રતનું ઉજવણું કર્યું. પ્રભુકૃપાથી જે ધન મળ્યું હતું એ ધર્મકાર્યોમાં વાપર્યું.


હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા મા-દીકરાને ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો.


Gujarati Bhakti Lekh on Whatsapp


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 4 ઑગસ્ટ, 2023

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ઓગણીસમો | Purushottam Maas Katha Adhyay 19 in Gujarati | Adhyay 19 | Adhik Mass 2026 | Okhaharan |

પુરુષોત્તમ માસ કથા અધ્યાય ઓગણીસમો |  Purushottam Maas Katha Adhyay 19 in Gujarati  | Adhyay 19 | Adhik Mass 2026 | Okhaharan |

 

purushottam-maas-katha-adhyay-19-in-gujarati
purushottam-maas-katha-adhyay-19-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય ઓગણીસમો પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ચાર ચકલીની વાર્તા. 

પુરુષોત્તમ માસ કથા અધ્યાય અઢારમો |


અધ્યાય ઓગણીસમો પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય  


પ્રાચીનમુનિ શ્રી નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું : “હે તપોનિધિ ! પ્રસન્ન થયેલા વિષ્ણુ ભગવાને તપના ભંડાર સુદેવને શું ઉત્તરઆપ્યો હતો તે કહો.”


શ્રી નારાયણે નારદજીને કહ્યું : “ભગવાન વિષ્ણુએ પોતાની વાણીથી તેને ખુશ કરતા આ પ્રમાણેકહ્યું : “હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! તેં અને તારી પત્ની એ જે કાંઈ કર્યું છે તે બીજા કોઈથી થાય તેમ નથી. હે તપોધન ! આ પુરૂષોત્તમ માસમાં જે મનુષ્ય એક ઉપવાસ કરે છે, તેનાં અનેક પાપો નાશ પામે છે અને તે વૈકુંઠનો અધિકારી બને છે. જ્યારે તમે પતિ-પત્નીએ પુત્રના શોકમાં વ્યથિત થઈ આખો મહિનો નિરાહાર રહી ઉપવાસ કર્યા અને વરસતા વરસાદમાં બેસી રહ્યા તેથી ત્રણે કાળનું સ્નાનફળ તમને મળ્યું. આ રીતે જાણે અજાણે તમે પતિ-પત્નીએમારા પ્રિય પુરૂષોત્તમ માસની જે સેવા-ભક્તિ કરી તેથી હું પ્રસન્નબન્યો છું અને તારા પુત્રને મેં જીવતદાન આપ્યું છે.

 આ પુરૂષોત્તમ માસ પૂજવાથી ફળદાયી બને છે. જેઓ મનુષ્યજન્મ મળવા છતાં પણ શ્રી પુરૂષોત્તમ માસમાં સ્નાન, દાન આદિ પુણ્યકર્મોથી રહિતરહે છે, તેઓ જન્મે જન્મે દરિદ્ર થાય છે; એને સેવનારો મનુષ્ય મને પ્રિય થાય છે.
એક વખત પ્રજાપિતા બ્રહ્માએ દેવોની સમક્ષ વેદમાં કહેલા બધાં સાધનો ત્રાજવાના એક પલ્લામાં અને બીજા પલ્લામાં પુરૂષોત્તમ માસનાં વ્રત-ભક્તિ મૂક્યાં. ત્યારે વેદના સાધનો હળવા નીકળ્યાં અને પુરૂષોત્તમ માસની ભક્તિવાળું પલ્લું નમી ગયું. એટલે જ પુરૂષોત્તમ માસનું સેવન ફળદાયી કહેવામાં આવ્યું છે. જે પણ ભક્ત પુરૂષોત્તમ માસ કરશે તે ભાગ્યશાળી મને પ્રાપ્ત કરશે.”


શ્રી નારાયણ બોલ્યા : “હે નારદમુનિ! એમ કહી જગદીશ શ્રીહરિ તરત જ ગરુડ પર બેસી પવિત્ર વૈકુંઠધામમાં પધારી ગયા. સુદેવ પણ મરેલા પુત્ર શુકદેવને પુરૂષોત્તમ માસના સેવનથી (જીવતો) ઊઠેલો જોઈ પત્ની સાથે હંમેશા આનંદમાં રહેવા લાગ્યો. એનો પુત્ર શુકદેવ પણ પોતાના સત્કર્મોથી પિતાને ખુશ કરવા લાગ્યો.”

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


પુરૂષોત્તમ માસ સર્વ દુ:ખોનો નાશ કરનાર હોઈ સર્વ મહિનાઓ કરતાં શ્રેષ્ઠ છે. હજારો વર્ષ સુધી સર્વ વિષય ભોગો ભોગવ્યા પછી છેવટે બ્રાહ્મણોમાં ઉત્તમ તે સુદેવ પત્નીની સાથે વૈકુંઠ લોકમાં ગયો હતો, જ્યાં જઈને ભક્તો કદી શોક પામતા નથી અને શ્રીહરિની સમીપ જ વાસ કરે છે.


ઋષિ વાલ્મીકિ બોલ્યા : “હે રાજન ! ત્યાંનું સુખ ભોગવ્યા પછી એ જ બ્રાહ્મણ સુદેવ પત્ની સાથે પૃથ્વી પર પાછો આવ્યો. અને રાજા દ્રઢધન્વા રૂપે પ્રસિદ્ધથયો. હે રાજા !એ સુદેવ બ્રાહ્મણનો તું બીજો અવતાર છે. હે રાજન ! પુરૂષોત્તમ માસનું (પૂર્વજન્મમાં) સેવન કરવાથીઆ સંપૂર્ણ સમૃદ્ધિ તને પ્રાપ્ત થઈ છે. પૂર્વજન્મમાં તારો પુત્ર જે શુકદેવ હતો અને મૃત્યુ પામતાં શ્રીહરિએ જીવતો કર્યોહતો તે બાર હજાર વર્ષનું આયુષ્ય ભોગવી વૈકુંઠમાં ગયો હતો એ જ પુત્ર આ જન્મમાં પોપટ તરીકે જન્મ પામ્યો છે અને તે તને ઓળખી જતાં તેણે તને સંસારા મોહથી મુક્તિ પામવા માટે ધર્મનો ઉપદેશ આપ્યો. એ પ્રમાણે તેં મને પૂછ્યું તે બધુ મેં તને કહ્યું. હવે તારો સંદેહ નાશ પામ્યો હશે અને તું શંકામુક્ત થઈ ગયો હોઈશ. હવે હું પાપનો નાશ કરનારી સરયુ નદી તરફ હું જાઉં છું.


શ્રી નારાયણ બોલ્યા : “ એમ લાંબાકાળ સુધી પ્રસિદ્ધ થયેલ વંશવાળા રાજા દ્રઢધન્વાના પૂર્વજન્મનું ચરિત્ર કહી વાલ્મીકિ જવા તૈયાર થયા તે વેળા અગણિત પુણ્યવાળા મહારાજ દ્રઢધન્વાએ તેમને વિનવી, નમન કરી પાછું કાંઈક પૂછ્યું.”


“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“પુરૂષોત્તમ માસનું માહાત્મ્ય” નામનો ઓગણીસમો અધ્યાય સંપૂર્ણ.
 
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.


ચાર ચકલીની વાર્તા

વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


એક નાનું ગામ હતું. ગામના પાદરે નદી વહે. નદીના કાંઠે એક વડનું ઝાડ. આ ઝાડ પર ચાર ચકલી રહે. પાવન પુરૂષોત્તમ માસ આવતા ગામના નર-નારી નદીએસ્નાન કરવા આવે. સ્નાન કરીને કાંઠાગોરની વાર્તા સાંભળે. વ્રતનો મહિમા સાંભળે. ઉપવાસ, ધારણા-પારણા અને એકટાણાની વાતો કરે.


આ બધી વાતો ચારેય ચકલી સાંભળે અને વિચાર કરે કે આવા મહાફળદાયી વ્રતની પરખ તો કરવી જ જોઈએ. એક ચકલીએ ઉપવાસનો સંકલ્પ કર્યો. બીજીએ ધારણા-પારણા શરૂ કર્યા. ત્રીજીએ એકટાણા લીધા ત્યારે ચોથી બોલી કે ભગવાને પેટ આપ્યું છે તો ત્રણ ટંક ખાઈને મજા કરો.
વ્રતના છેલ્લા દિવસે ચારેય ચકલી મરી ગઈ અને એક નગરશેઠના ઘેર દીકરીઓ બની અવતરી. શેઠને સંતાનમાં એક દીકરો જ હતો તેથી એક પછી એક ચાર લક્ષ્મી જન્મતા શેઠ રાજી રાજી થઈ ગયા.


લાડ-કોડમાં ઉછરતી છોકરીઓ મોટી થવા લાગી. ઉંમરલાયક થતાં સૌથી મોટી દીકરી રાજાના કુ&વરને ગમી ગઈ તેથી એ પરણીને રાજમહેલમાં રહેવા ગઈ. બીજીના લગ્ન ધનપ્તિના દીકરા સાથે થયા. એ પરણીને સાત માળની હવેલીમાં ગઈ. ત્રીજીને નાની હાટડીવાળો વર મળ્યો. જ્યારે ચોથીને મજુરી કરતો અને રોજનું લાવીને રોજ ખાતો વર મળ્યો. આ તો ભાગ્યની વાત હતી, જેનો ભેદ ભગવાન પણ જાણી શકતા નથી.


થોડા સમય પછી શેઠે દિકારાના લગ્ન લીધા. દીકરીઓને તેડાવી. લગ્ન પત્યા પછી દીકરીઓને આગ્રહ કરીને રોકી. જ્યારે દીકરીઓ જવા લાગી ત્યારે શેઠે ભેટ આપી. મોટીને વીસ તોલાનો સોનાનો હાર આપ્યો. એનાથી નાનીને પંદર તોલાનો સોનાનો હાર આપ્યો. ત્રીજીને દશ તોલા સોનું આપ્યું અને સૌથી નાનીને માત્ર એક જોડી કપડાં આપ્યા.


આવા ભેદભાવથી નાની દીકરીને ઘણું ઓછું આવી ગયું. એ રડવા લાગી. “મા-બાપે વેરો-વંચો ન રાખવો જોઈએ. મા-બાપને તો સૌ સરખા” એવા બળખા બોલવા લાગી. ત્યારે મોટી બહેને એને પૂર્વજન્મની વાત કરી કહ્યું :  “જો બહેન ! પુરૂષોત્તમ માસમાં મેં પૂર્ણ શ્રદ્ધાથી આખો મહિનો ઉપવાસ કર્યા તો મને રાજપાટ મળ્યું, બીજીએ ધારણાં-પારણાં કર્યા તો એને નગરશેઠનું ઘર મળ્યું, ત્રીજીએ એકટાણું કર્યું તો તેને સુખી ઘર મળ્યું, જ્યારે તે વ્રત કર્યું નહી અને ખાવા-પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં તેથી તને ગરીબ ઘર મળ્યું. એટલે હવે તું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પુરૂષોત્તમ વ્રત કરજે, જેથી તું સુખી થઈશ.”

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


નાની દીકરીની આંખો ખુલી ગઈ. તેણે પુરૂષોત્તમ માસ આવતાં શ્રદ્ધાઅને ભક્તિભાવથી પુરૂષોત્તમ વ્રત પૂર્ણ કર્યું અને એના પુણ્યબળે તેણે અ‍ઢળક સંપત્તિ પ્રાપ્તકરી અને સુખી થઈ.


“વ્રત ઉપવાસ જે કરે, પામે સુખ અપાર;
કરે ધારણા-પારણા, સુખે ભોગવે સંસાર.
એકટાણા જે આદરે, સમજે સદા સાર;
વ્રત નિયમ જે ના કરે, સદાય હાહાકાર.”


          હે પુરૂષોત્તમ પ્રભુ ! શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો.

Gujarati Bhakti Lekh on Whatsapp


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.    


નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   






દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇